પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લાખિયારની દુઆ
૨૩
 

 ચીજની ઠેકડી કરજો પણ સંધીની લાજની ઠેકડી મા કરજો.' થોડી વાર લાખિયાર સાવ મૂંગો જ રહ્યો, છતાં એના હોઠ ઊઘડું ઊઘડું થઈને બિડાઈ જતા હતા. છેવટે એટલું જ ઉમેરી શક્યો : 'લાજની કિંમત તો લાખું છે, ચત્તાભાઈ!'

અહીં આભાશાએ ફરી એક વખત લાખિયારની દલીલને પોતાની ગોફણમાં ગોઠવીને બરાબર નિશાન તાકીને સામી ફંગોળી :

'લાજની કિંમત તારે મને લાખ રૂપિયાની છે એટલાં સારું તો આ બાંધી મૂઠી લાખની રિયે એ રસ્તો સુઝાડું છઉં, પણ તારું તો સંધુય મોટાઈમાં જ તણાઈ જાય છે.'

'મોટાઈ તો શું ભાઈશા'બ, આ તો બાપદાદાના વખતનો ખોરડાનો એક મોભો હાલ્યો આવે છે ઈમાં મારાથી વધારો ન થઈ શકે તો કાંઈ નઈ, પણ જેટલો છે એટલો તો સાચવી રાખું ! અમ જેવા વરણમાં સોનારૂપાની ઇસ્કામતું તો ક્યાંથી હોય? પણ નાતજાતની આબરૂ છે ઈ ગલઢાવની પુનાઈની કમાણી છે. આ કમાણીની કિંમત આંકવા જાવ તો કોડીનીય ન ગણાય. ને ગણીએ તો લાખુંમાં આંકીએ તોય ઓછું છે. મારો બાપ વારેઘડીએ કે'તો : લાખ જજો પણ લાજ મા જજો, આ લાજ–આબરૂનું તો જાનને જોખમેય જતન કરવું પડે.'

'માળાં ટેંટાવ કીધાં એટલે થૈ રિયું. ભૂખ ભેગા થૈ ગ્યા પણ હજી લાજ–આબરૂનો ફાંકો ઓછો નો થ્યો...' ચતરભજથી હવે મુંગા રહેવાતુ જ નહોતું.

'મુનીમબાપા, તમે જરાક મોં સમાલો તો સારી વાત છે હો !' લાખિયાર બોલ્યો : 'આ શાબાપા બેઠા છે એટલે મારી જીભ ને હાથ સંધુય સીવાઈ ગયું છે, પણ તમે અબઘડી બોલ્યા ઈ વેણ આ ઘરની ઓસરીએ નો શોભે...'

લાખિયારની આંખના ખૂણાની લાલાશ જોઈને ચતરભજને આખે ડિલે ધ્રુજારી આવી ગઈ, અને તરત તેણે પવન પ્રમાણે સઢ