પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
વ્યાજનો વારસ
 


અહીં હોડમાં હારી ચૂક્યો હોય એમ હતાશ થઈને ડેલી બહાર નીકળવા જતો હતો ત્યારે આભાશાએ આ આખા પ્રસંગની કડવાશ ઉપર મીઠો ગલેફ ચડાવવા લાખિયારને કહ્યું :

'તું તારે મોજ કર્યની મૂળાને પાંદડે ! તારું કોઈ નામ ન લ્યે. આ લખત તો એટલા સારુ કરવું પડ્યું કે લખ્યું ભાખ્યાને ઠેલે. સમજ્યો ? લખ્યું કોક દી વંચાય. જા હવે, પછી નવરો થા તંયે પટારામાંથી તારા ખોરડાના ખતનું ભૂંગળું આંયા ફેંકતો જાજે. બાકી કાંઈ ભો રાખીશ મા. જા, મજા કર્ય તું તારે...'

આભાશાની આટલી બાંયધરીથી તો લાખિયાર ખુશ ખુશ થઈ ગયો. બોલ્યો : 'વાહ મારા બાપા ! વાહ માલિક ! આનું નામ અમીર ને એની અમીરાત !'

અને આભાશાને ત્યાં થયેલા પુત્રજન્મનો પ્રસંગ યાદ આવતાં લાખિયારે એ બાળક માટે પણ દુઆ ગુજારી :

તુમ સલામત રહો હજાર સાલ
ઔર હર સાલ કે દિન હો પચાસ હજાર!

*