પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૪]


વહુ–વહુની રમત

લાખિયારે બાળાશેઠને માટે ગુજારેલી દુઆથી જ જાણે કે આભાશાનો દીકરો દિવસે નહિ એટલો રાતે અને રાતે નહિ એટલો દિવસે વધવા માંડ્યો છે.

છઠ્ઠે દિવસે ઘરમાં છઠ્ઠી બેસાડી. બાજઠ ઉપર નવા બરુમાંથી ઘડેલી કલમો અને કોરા કાગળના તા મૂક્યા, ચાંદીના એક ખૂમચામાં દૂધ ઠારવા મૂક્યું હોય એમ રૂપિયાના ધોળાફૂલા સિક્કાઓ ભરીને એમાં કેસર – છાંટણાની જેમ લાલ હિંગળોક ગીનીઓ વેરવામાં આવી. અને આ રિદ્ધિ–સિદ્ધિના બાળ વારસના ટીનકુડાક હાથની કૂણી કૂણી આંગળીઓ વડે એ સિક્કાઓની મુઠ્ઠી વળાવવામાં આવી. પાણીદાર મોતી જેવી એની ઝીણી લંબગોળ આંખમાં આંજણ આંજવામાં આવ્યું. અને માનવંતીએ એને પહેલી વાર પોતાને થાનેલે લગાડ્યો.

વિધાતા આવીને છઠ્ઠીના લેખ લખી ગયાં.

બારમે દિવસે કુટુંબીઓ અને સગાંઓની જમણવાર થઈ અને બાળ–બળિયા ઉજવાયા. ઓળી ઝોળી પીપળ પાન કરીને અમરતે બાળકનું નામ 'રિખવ' પાડ્યું. નામની પસંદગીમાં પણ આચાર્ય વિમલસૂરીની જ પ્રેરણા હતી.

વિમલસૂરીજી વીતરાગી સાધુ હોવા છતાં તેમને આભાશા પ્રત્યે ભારે રાગ હતો. તેમને મન આભાશા એક આદર્શ શ્રાવક હતા. હર ક્ષણે તેઓ આભાશાનું ક્ષેમકુશળ વાંચ્છતા હતા. ધર્મકાર્યો