પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
વહુ-વહુની રમત
 


દાણા લઈને રિખવ ઉપર છાંટવા માટે ખડે પગે તૈયાર જ ઊભા છે.

પરિણામે રિખવને, રમવા માટે આડોશપાડોશના છોકરાંને અહીં તેડવાં પડતાં. એમાં ચતરભજનાં બાળકો મુખ્ય હતાં. સદ્‌ભાગ્યે, એ છોકરાં ચતરભજથીય અદકાં ખેપાની અને ભારાડી હતાં. પરિણામે શેરીના સંપર્કથી વંચિત રહેલો રિખવ શેરીમાંથી મળતા 'સંસ્કારો'થી વંચિત નહોતો રહ્યો. ચતરભજનો છોકરો ઓધિયો શેરી અને આ ડેલી વચ્ચે એક સાંકળ બની ગયો હતો. શેરીમાં રમાતી એકેએક રમત એ આ ડેલીના ફળિયામાં દાખલ કરતો. એ માટે થોડાં રમનારાં ઘટે તો અમરત ફઈની ખાસ પરવાનગી લઈને બહારથી વધારે છોકરાંની આ ડેલીમાં આયાત કરતો. અમરત તો એક જ વાત લઈને બેઠી હતીઃ

'શેરીનાં સત્તરશેં છોકરાં આવીને આ ફળિયામાં ભલે નાચીકૂદી જાય. પણ મારા રિખવને તો લાખ વાતેય ડેલીનો ઉંબરો વળોટવા ન દઉં. કસાઈ જેવા કુટુમ્બી સૌ મારા ભાઈનું કાસળ કાઢવા વાટ જોઈને જ બહાર બેઠા છે. ને એમાંય ઓલ્યો નખોદિયો જાવણો તો રિખવને દીઠે જ શેનો મેલે ? ફોંસલાવી-પટાવીને ઘરમાં ઘાલીને ધબ્બી જ બેહારે ને પછી વાત ઉડાડે કે ઈ તો કાબૂલી આવ્યા'તા, ઈ આ છોકરાને ઉપાડી ગયા !'

સદ્‌ભાગ્યે અમરતના દલુને અર્ને ઓધિયાને દૂધ અને સાકર જેવું સરસ ભળતું. દલુ પણ નાનપણથી અમરત જેવી આપરખી મા અને આભાશા જેવા દિલાવર મામાના લાડચાગમાં ઊછર્યો હોવાથી ભારે આઝાદ અને અલ્લડ બન્યો હતો. ઓધિયાને પોતાની અનેકવિધ શક્તિઓને કામગીરી આપવા માટે આ કાચો માલ ઠીક મળી ગયો, દલુ અને ઓધિયા વચે એવી તો ભાઈબંધી જામી, એવી તો ભાઈબંધી જામી, કે પછી તો દલુને ઓધિયા વિના ન ચાલે ને ઓધિયાને દલુ વિના ન ચાલે. ઓધિયાની જીભની મીઠાશ તો ચતરભજનેય કોરે મેલી દિયે એવી હતી, 'ફૈબા !' 'ફૈબા !' કરીને