પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
વ્યાજનો વારસ
 


એણે અમરત ઉપર એવો તો જાદુ કરી દીધો હતો કે અમરતને તો સગા ભત્રીજા રિખવ કરતાંય વધારે હેત આ નવા ભત્રીજા ઉપર ઊભરાવા લાગ્યું. અને અમરત તો આ ઘરની ધારધણી હતી. આભાશાને મન તો બહેનનો બોલ એટલે બ્રહ્મવાક્ય. બહેનને ગમ્યું એ ભગવાનને ગમ્યું. ઓધિયા ઉપર અમરતના ચાર હાથ થયા ત્યારથી આભાશાની આંખમાં પણ આ 'ચતા મુનીમનો છોકરો' વસી ગયો.

પછી તો ઓધિયો અને સાથે એની બે નાનકડી બહેનો પણ એ ઘરમાં પડ્યાં પાથર્યાં રહેવા લાગ્યાં. અમરત આખો દિવસ 'મારા દલુનો દોસ્તાર, મારા દલુનો દોસ્તાર,' કરીને ઓધિયાના મલાવા કર્યા કરતી, ખાવાપીવાની કોઈ પણ સારી ચીજ દલુ અને ઓધિયાને સરખે ભાગે મળે નહિ ત્યાં સુધી સાત ખોટના રિખવને પણ એ સાંપડી શકતી નહિ. અમરતની આ ધરાર – પટલાઈ માનવંતીને બહુ જ ખૂંચતી, પણ 'બા'(નણંદને એ બા કહી બોલાવતી)ની સામે એક હરફ પણ ઉચ્ચારવાની ભોજાઈમાં ત્રેવડ કે તાકાત નહોતી. એ તો બિચારી મનમાં ને મનમાં સમસમી રહેતી અને કહેતી : 'આવા પારકા છોકરાને બહુ હેરવ્યો છે, પણ કોક દી પસ્તાવાનું ટાણું આવશે.'

દલુ અને ઓધિયા વચ્ચેનો, ઓધિયા અને આભાશા વચ્ચેનો ઘરોબો જોઈને ટીખળી ગામલોકોએ તો તાબડતોબ ચુકાદો આપી દીધો કે 'ઓધિયો એ શાબાપાનો પહેલા ખોળાનો દીકરો છે. અને દલુ ભલે ભાણેજ રહ્યો, પણ એ બીજા ખોળાનો છે.

'સગી પરણેતરના જલમ્યા રિખવને કયા વાડે મેલશો?' કોક વળી રિખવનો પણ પક્ષ ખેંચતું.

'રિખવ તો છે ત્રીજા ખોળાનો. જુઓને, શેઠ દલુને હથેળીમાં થૂંકાવે છે.'

'ઈ તો દુખાયેલી બેનને ઓછું ન આવે એટલા સારુ...'