પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વહુ-વહુની રમત
૩૧
 

 ‘પણ બેનબા પાછાં આ બે દેડકાના ઓધિયા ઉપર અછોઅછો વાનાં કરે છે ને !’

‘હોય ઈ તો, દલુનો ભાઈબંધ છે ને, એટલે જરાક મન-મોં સાચવે…’

‘એલા, ભાઈબંધ તો સૌના છોકરાંવને હોય છે. પણ ભાઈબંધના આવા લાડચાગ તો એક આભાશાને ઘેરે જોયા.’

‘એલાવ, આ ચતિયા મુનિમને પણ આભાશાના ઘર હારે કોક આગલા ભવની પૂરેપૂરી લેણાદેણી નીકળી હો ! પોતે તો જિંદગી આખી આ પેઢીમાં ઊભો ધરાણો ને માથેથી પોતાના છોકરાનુંય સાલ સલવાડ્યું…’

‘હવે આ રિખવશેઠનો મુનીમ ઓધિયો જ થ્યો જાણજો !’ કોકે મજાકમાં ભવિષ્યવાણી ભાખી.

‘ભાઈ, કોને ખબર છે, કોની લાડી કોના છોડ ઝાલશે ! ઠાલા મફતના મનના મોર શું કામ ઉતારો છો? ઓધિયા જેવા કાટલિયાને ઘરમાં ગરવા દીધો છે, તી કોક દી કુટુંબ આખાને પાયમાલીમાં મૂકી દેશે ને આવી આલીશાન મોલાતુનો અપાશરો કરી નાખશે.…’

‘ભાઈ, ધણીને સુઝે ઢાંકણીમાં. આપણે શું કામ ઠાલા કોકની અધ્યારી કરીને દૂબળાં થઈ છીં ? મેડીનો અપાશરો થાહે તોય આપણે ક્યાં રોટલા પૂરવા જાવું પડે એમ છે ?’

દલુ અને ઓધિયો બન્ને જણા રિખવ કરતાં ઉંમરમાં ઠીક ઠીક મોટા હતા તેથી રિખવ એમની શેહમાં દબાતો. વળી, રિખવને હજી ડેલીની બહાર જવાની છૂટ નહોતી એટલે રમતગમત વગેરે માટે એ આ બન્ને મોટેરા ભાઈબંધોનો જ ઓશિયાળો હતો. રિખવને રમવા માટે પોતાની જ ઉંમરનાં બાળકો બહુ નહોતાં મળતાં. માત્ર, પછવાડે વસતા સંધીના કુટુમ્બમાંથી હમણાં હમણાં લાખિયારની ઘરવાળી, વ્યાજના હફતાના ભરણા પેટે આભાશાનું ઘરકામ કરવા આવતી થઈ હતી તેથી કોઈ કોઈ વાર એના કજિયારાં છોકરાં