પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
વ્યાજનો વારસ
 

 જુન્નુ અને એમી પણ પરાણે, કજિયો કરીને સાથે આવતાં. અમરતને તો આ કાટવરણનાં છોકરાંને ઘરમાં પેસાડવાનું પસંદ નહોતું. પણ માનવંતીને આ પાડોશી કુટુમ્બ પ્રત્યે આજ વર્ષો થયાં જીવ હળી ગયો હતો તેથી અમરત એની આડે આવી શકતી નહિ અને મનમાં ભાભીના આ ગાલાવેલાપણાં ઉપર બળીબળીને ખાખ થઈ જતી.

જુન્નુ આમ તો રિખવ કરતાં ઉંમરમાં થોડો નાનો હતા, પણ ડિલમાં જખ્ખર બાંધાનો હોવાથી દેખાવમાં એ રિખવ કરતાં મુઠ્ઠી એક મોટો લાગતો. એમી એ જુન્નુની નાની બહેન હતી, પણ અજાણ્યા માણસ કોઈ એમ ન કહે કે જુન્નુ અને એમી એક જ મગની બે ફાડ હશે. જુન્નુ જેટલા પ્રમાણમાં જબ્બર અને કદાવર એટલા જ પ્રમાણમાં એમી નાજુક અને સુકુમાર હતી. હોંશીલા લાખિયારે એને માટે ટચૂકડી ઇજાર અને ટચૂકડો આબો સીવડાવ્યાં હતાં. નાનકડી એમીને આ કપડાં બહુ જ શોભતાં અને એ પહેરીને માથે જ્યારે લાલ રંગનો રૂમાલ ઓઢતી ત્યારે તો એના ભારે નમણા ને લાલલાલ હિંગળોકિયા મોં ઉપરથી જ ગુલાલ ઊડી ઊડીને આ રૂમાલને રંગી રહ્યો છે એવો દેખાવ થઈ જતો. ઠસ્સાભર્યા ભારઝલ્લે પગલે એ આભાશાની ઓશરીમાં હરફર કરતી ત્યારે ઘડીભર તો એમ જ લાગતું કે નાટકમાં મુગલ દરબારની કોઈ હૂરીનો જ એ પાઠ ભજવી રહી છે.

એમીનો આ પોશાક રિખવને એટલો તો ગમી ગયો કે એણે કજિયો કરીને ઇજાર અને લાંબો આબો સીવડાવ્યાં. એમીના માથા પર રૂમાલ જોઈને રિખવ પણ એક નાનકડો લાલ અતલસનો કકડો હાથમાં રાખવા માંડ્યો. પછી તો આ બંને બાળ ગઠિયાઓના જીવ એટલા બધા હળી ગયા કે દિવસ આખો બેય સાથે જ રમ્યા કરતાં.

એક વખત રિખવે નાહીને ઊઠ્યા પછી કપડાં પહેરવામાં વાર