પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
વ્યાજનો વારસ
 

 ગયો હતો. પણ લાખિયારને ત્યાં રોટલા મોડા ઘડાતા તેથી હજી જુન્નુનું અને એમી અહીં જ રમતાં હતાં.

આજે ઓધિયો એક નવી રમત લાવ્યો હતો. એનું નામ ‘વઉ–વઉની રમત.’ દલુ અને ઓધિયા ઉપરાંત શેરીમાંથી બીજા પણ બેચાર તેવતેવડાં છોકરા–છોકરીઓ અહીં આવી ચડ્યાં હતાં. એમાં ઓધિયાની નાની બહેને લીલી પણ હતી.

ઓધિયો આ રમતનો સર્જક હતો. એની મૌલિક મેધાએ આ રમતનો વ્યૂહ રચી કાઢ્યો હતો. એ વ્યુહ પ્રમાણે તો રિખવે લીલીને વહુ બનાવવાની હતી. બીજા સહુ છોકરાં ઓધિયાના હુકમ પ્રમાણે એકબીજાનાં વરવહુ બની ગયાં પણ રિખવે ઓધિયાના હુકમનો અનાદર કર્યો.

એણે કહ્યું : ‘લીલી હારે નહિ પરણું…’

‘લીલી હારે નંઈ તો કોની હારે પરણીશ ?’ ઓધિયાએ રિખવ સામે આંખો કાઢીને કહ્યું : ‘લીલી હારે નંઈ તો શું મારી હારે પરણીશ ?’ અને સહુ છોકરાંને ખડખડાટ હસાવ્યાં.

રિખવે એક જ વાત પકડી રાખી : ‘હું એમી હારે જ પરણીશ.’ ફરી સહુને હસવાનું મળ્યું.

‘તારી વઉ લીલી !’ ઓધિયાએ હુકમ છોડ્યો.

‘ના, મારી વઉ લીલી નંઈ. મારી વઉ એમી.’

‘એલા, એમીને વઉ નો કરાય, આભા બાપાને ખબર પડશે તો રાંધણિયામાં નંઈ ગરવા દિયે.’

‘રાંધણિયામાં શું કામ નઈ ગરવા દિચે ?’ રિખવે પૂછ્યું.

‘એમીથી આપણે અભડાઈએ.’ દલુએ સમજ પાડી.

‘ચાલ, હવે તું ઝટ લીલીને વઉ કરી લે એટલે સૌ બબ્બે જણાં કૂંડાળું વળી જાઈએ. હાલો, ઝટ કરો.’ ઓધિયો રમત શરૂ કરવાની ઉતાવળ કરતો હતો.

‘ના, હું તો એમીને વઉ કરીશ.’ રિખવે બાળહઠ ચાલુ