પૃષ્ઠ:Vyajno Varas.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
વ્યાજનો વારસ
 


કંટાળેલા વિમલસૂરી આ ટીણિયાટોળી સાથે ભારે ગેલ કરતા. અને તેથી જ, તેઓ માત્ર શ્રાવિકાવર્ગમાં જ નહિ પણ છોટા શ્રાવકો – બાળવર્ગમાં પણ લાડીલા બની શક્યા હતા.

પરસાળની પાટ ઉપર બેસીને રિખવ, એમી, દલુ અને ઓધિયા સાથે ગેલ કરીને, કોઈનું ધ્યાન ન ખેંચાય એ રીતે એમણે રિખવની જમણી હથેળીની રેખાઓ જોઈ લીધી અને તરત એમના મોં ઉપર ઝાંખપ આવી ગઈ. કોણ જાણે કેમ પણ એમીની હસ્તરેખાઓ જોવાનું એમને સૂઝ્યું. ૨મતરમતમાં એનો હાથ પણ સ્પર્શ કર્યા વિના દૂરથી જોઈ લીધો અને જાણે કશાક ભારે અટપટા કોયડાનો ઉકેલ મળી ગયો એમ એમના મોંની તંગ બનેલી રેખાઓ ઢીલી પડતાં લાગ્યું. છતાં, રિખવની હસ્તરેખાઓ જોતી વેળા એમની આંખમાં ઝબકી ગયેલો વિષાદ હજી સાવ દૂર થયો નહોતો.

‘મહારાજસાબ, માફ કરજો, થોડોક મોડો થયો છું !’ પગથિયાં ચડી રહેલ આભાશાનો શ્વાસભર્યો અવાજ આવ્યો. ‘લશ્કરી શેઠની એક હૂંડી આવી પડી એના સીકાર…’

‘કાંઈ ફિકર નહિ. એ તો એમ જ ચાલે.’ વિમલસૂરીએ કહ્યું : ‘સંસારી જીવ કોને કહે ! દ્રવ્યોપાર્જન અર્થે સઘળા આરંભો કરવા પડે. અને એ આરંભો કરતો છતો પણ માણસ આદર્શ શ્રાવક બની શકે અને કર્મો ખપાવી શકે.’

આભાશાને ભય લાગ્યો કે અત્યારે હું ભૂખ્યે પેટે પેઢીમાંથી દોડતો આવ્યો છું, અને હજી તો અરધોઅરધ હૂંડીઓ સ્વીકારવાની બાકી રહી છે, ત્યારે આ મુનિશ્રી, જેમને તૈયાર ગોચરી ઉપર માત્ર તૂટી પડવાનું જ કામ કરવાનું હોય છે, તેઓ અત્યારે ‘શ્રાવકનાં બાર વ્રતો’ કે ‘અતિચારનો આદેશ’ કે ‘સંસારી સાધુત્વ’ ઉપર રીતસરનું વ્યાખ્યાન જ આપી દેશે કે શું ! તેમણે તરત મૂળ કામ ઉપર આવવા માટે મુનિશ્રી તેમ જ માનવંતી બન્ને