પૃષ્ઠ:Vyajno Varas.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વહુ–વહુની રમત
૩૭
 


સાંભળી શકે તેટલા મોટા અવાજે કહ્યું : ‘વેળાને હજી વાર છે કે શું ?’

અંદરથી માનવંતીનો અવાજ આવ્યો : ‘તૈયાર જ છે.’

આભાશાએ રાબેતા મુજબ હોંશેહોંશે મુનિશ્રીને વહોરાવવા કરી જોયું પણ આજે વિમલસૂરીએ એમના નિયમ કરતાંય ઓછી ગોચરી વહોરી. આભાશા મોં ઉપર ખેસનો સોનેરી પટ્ટાળો છેડો દાબીને જે જે વસ્તુનો મુનિશ્રીને આગ્રહ કરે તે તે દરેક ચીજનો ‘બહુ થઈ ગઈ,’ ‘અહીં તમને સંકોચ પડશે’ એવા એવા જવાબો સાથે ઇન્કાર જ થતો ગયો. રોજ પોતાને હાથે વહોરાવનાર ખુદ માનવંતીને પણ આજે નવાઈ લાગી.

પાતરાંને ઝોળીમાં સિફતથી સંકેલી, રજોહરણને અદાપૂર્વક બગલમાં મારીને વિમલસૂરી વિદાય થયા ત્યારે જતાં જતાં ફરી એક વખત રિખવ અને એમી તરફ નજર ફેંકતા ગયા.

*