પૃષ્ઠ:Vyajno Varas.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હૈયાહોળી
૩૯
 


પાટણ આવનાર પ્રવાસીઓને શાહ–પેઢીની સેવાઓ લીધા વિના છૂટકો જ નહોતો. અમદાવાદ અને આગ્રા, લખનૌની અને કાબોલની જુદી જુદી ટંકશાળોના જુદા જુદા સિક્કાઓ અહીં વટાવાતા. પછી શાહજહાની રૂપિયા આવ્યા ત્યારે પણ ઉત્તર હિંદના યાત્રીઓને પાટણની બવરી બજારે હટાણે જતાં પહેલાં શાહની પેઢીએથી પૈસા કોરીઓ છુટ્ટી કરાવી જવી પડતી. સિક્કાના નિષ્ણાતો હાથમાં ‘કસોટી’ઓ લઈને બેઠા જ હોય અને સિક્કો હાથમાં આવ્યો કે તરત એ કેટલા ‘વલો’ છે એ કહી આપે. આજે ચલણ બદલનો ધંધો વર્ષો થયાં બંધ થયો હોવા છતાં આભાશા તેમ જ જીવણશાના ઘરમાં સંખ્યાબંધ કસોટી–ઓજાર તેમ જ શાહજહાની અને બીજા રૂપિયાઓ મળી આવે છે અને ભૂતકાળની જાહોજલાલીની યાદ તાજી કરાવે છે. આ શાહજહાની રૂપિયા અને સોનામહોરોના શગભર્યા ઢગલામાંથી જ બાળ રિખવે એની કૂણી કૂણી આંગળીઓ વડે મુઠ્ઠી ભરી હતી.

કોંકણ અને મલબાર કાંઠા, પૂર્વ આફ્રિકા અને અરબસ્તાન, ઈરાની અખાત અને લંકા બેટ, પેગન, મલાક્કા અને સચીન સુધી વેપાર ખેડનાર સોદાગરોને શાહ–પેઢી તરફથી સુરતની શરાફી પેઢીઓ ઉપર શાખપત્રો આપતા. અને શાહ–પેઢીની શાખ ઉપર હજારોને લાખોની લેવડદેવડ કરનારાઓના પેટમાં પાણી પણ ન હલતું.

આ એ જમાનો હતો, જ્યારે શરાફી પેઢીઓ રાજ્યકર્તાઓને પણ નાણાંભીડ ટાણે મદદ કરતી. એક તરફથી લક્ષ્મીદાસ શેઠ મુરાદબક્ષને પાંચ લાખ રૂપિયા જેવી નાદ૨ રકમ આપે છે. કલકત્તાના નવાબો પાસે જગતશેઠ નાણાં પાથરે છે, સુરતના વીરજી વોરા ઈસ્ટ ઇન્ડિયા જેવી સધ્ધર કંપનીને પણ મોટી રકમની ધીરધાર કરે છે, અમદાવાદના અંબાઈદાસ લશ્કરી તો પેશવા અને ગાયકવાડની પલટનના સિપાઈઓ સુધ્ધાંની નાણાકીય જરૂરિયાત પૂરી પાડે છે; તો બીજી બાજુ એ જ અમદાવાદના શેઠ શાંતિદાસ