પૃષ્ઠ:Vyajno Varas.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
વ્યાજનો વારસ
 


જેવા શાહ સોદાગર તો શરાફી કરવા ઉપરાંત સુરત, બરહાનપુર, બિજાપુર, દિલ્હી, આગ્રા અને સિંધલ જેટલે દૂર દૂર શાખાઓ ખોલીને હીરા–માણેક પણ મૂલવી જાણે છે.

પણ મુગલ સલ્તનતના છેલ્લા દસકાઓ દરમિયાન આ જાહોજલાલી ઓસરવા માંડી. મરાઠાઓના ધાડાં સમસ્ત ગુજરાતની સમૃદ્ધિને ભયરૂપ બનવા માંડ્યાં. અને પછી તો ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાના જ ‘એજન્સી હાઉસ’ શરૂ કરીને આ દેશી નાણાવટો ઉપર છેલ્લો ફટકો માર્યો.

બેંક ઑફ બૉમ્બેએ અમદાવાદમાં અને પછીથી ધોલેરામાં શાખાઓ ખોલી, ચલણનું એકીકરણ થયું અને શાહ–પેઢી જેવી અનેક પેઢીઓની કામગીરીઓ બંધ થઈ.

છતાં આભાશાનું ઘર હજી ભાંગ્યું તોય ભરૂચ જેવું હતું. નાણાવટનો ધંધો પડી ભાંગ્યા પછી આ પેઢી ધીરધાર અને વ્યાજવટાવ તરફ વળી હતી, સૈકાઓ થયા સોમનાથ છોડ્યું હોવા છતાં કાઠિયાવાડના આંતરપ્રદેશ—વેપારનું નાણાંકીય પાસું આ પેઢી સંભાળી રહી હતી. કાઠિયાવાડના ગૌરવભર્યા ભૂતકાળની આ પેઢી સાક્ષી બની રહી હતી. અમરજી દીવાન, જેસા વજીર અને ગગા ઓઝા જેવા રાજ્યનીતિજ્ઞો પેદા કરનાર ધરતીએ જ શાહ–પેઢીના એકેકથી ચડિયાતા શરાફી નિષ્ણાતો આપ્યા હતા.

આભાશાને ઘેર રિખવનો જન્મ એટલે ઝાઝી વાત. એણે આવીને તો આ પુત્રવિહોણું ઝાંખું લાગતું ઘર અજવાળ્યું હતું. પરિણામે આ સાત ખોટના પુત્રના લાડચાડ અને મલાવામાં મણા ન રહી. એકના એક સંતાનને માટે સ્વાભાવિક એવાં સઘળાં જ અનિષ્ટોનો રિખવ ભોગ બન્યો. મનસ્વીપણું, બેજવાબદારી, તુમાખી, મોજશોખી આદતો, ઉડાઉ અને અછકલાપણાની પૂરેપૂરી તાલીમ દલુ અને ઓધિયાએ સંયુક્ત પ્રયત્નો દ્વારા રિખવને આપી.

આભાશાની ડેલીએ જુનવાણી શિરસ્તો જાળવવા હજીય