પૃષ્ઠ:Vyajno Varas.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હૈયાહોળી
૪૧
 


આરબોની બેરખ બેસતી. બ્રિટિશ સલ્તનતના આગમન પહેલાં જ્યારે કહેવાતાં કાયદો અને વ્યવસ્થા નહોતાં આવ્યાં ત્યારે તો ડેલીના વિશાળ ઓટા ઉપર આરબોની ખડી ચોકી રહેતી અને પહોરેપહોરના ચોઘડિયાં વાગતાં. એ હકીકતની સાક્ષી તરીકે, ઓટા ઉપર પહેરેગીરોના કાવા–કસુંબા ગાળવા માટે કંડારેલ કૂંડીઓ હજી પણ હયાત હતી. માત્ર, પહેલાંની હથિયારબંધ ચોકીને બદલે હવે બે વૃદ્ધ આરબ અને એક મકરાણી અફીણના ઘેનમાં એ ઓટે પડ્યા રહેતા. એ માત્ર પેટવડિયે જ સેવા બજાવતા હોવાથી આવા વિશ્વાસુ આદમીઓને રજા આપવાનું આભાશાએ મુનાસિબ માન્યું નહોતું. રિખવને જ્યારે નિશાળે બેસાડવા ટાણે નછૂટકે ડેલીની બહાર કાઢવો પડ્યો ત્યારે આ આરબની સેવાઓ અમૂલ્ય થઈ પડી.

રિખવને નિશાળે મૂકવાની વાત આવી અને તરત માનવંતીને ચેલૈયો, નિશાળ, મહેતાજી, પેલો માનવમાંસભક્ષી સાધુ, ખાંડણિયો અને ‘ખમ્મા ! ખમ્મા !’ કરીને વિલાપ કરતી પુત્રવત્સલ માતાના ભણકારા વાગી ગયા. એને મન કુટુંબનો વેરી જીવણશા પેલો માંસાહારી સાધુ હતો, જે હર ક્ષણે રિખવનો બોરકુટો કરવા તલસી રહ્યો હતો. દુશ્મનોની કૂડી ને મેલી નજરથી રિખવને રક્ષવા માટે આ વિશ્વાસુ આરબને રિખવનો અંગરક્ષક બનાવવામાં આવ્યો હતો. શરૂમાં તો આ આરબ રિખવને કાખમાં તેડીને અને પછીનાં વર્ષોમાં આંગળી ઝાલીને શાળાએ લઈ જતો અને લઈ આવતો.

થોડા જ દિવસમાં રિખવને આ જૈફ આરબના અંગરક્ષણમાં ગૂંગળામણ લાગવા માંડી અને દલુ અને ઓધિયા સાથે એણે હરવાફરવાનું શરૂ કર્યું. આભાશા કે માનવંતીને આ વાત રુચિ તો નહિ, છતાં પુત્રને જે લાડચાડમાં ઉછેર્યો હતો એ જોતાં એની હરેક માગણી સંતોષવી જ જોઈએ એ આ ઘરમાં શિરસ્તો થઈ પડ્યો હતો.