પૃષ્ઠ:Vyajno Varas.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હૈયાહોળી
૪૩
 


માનવંતી એક યા બીજી દૃષ્ટિએ કાંઈક ને કાંઈક ઓછપ દેખાતી હતી. કોઈ કહેણમાં કન્યા નાની–મોટી હોય, તો બીજા કહેણમાં એ જરા ‘ભીને વાન’ લાગતી હોય. આમ, માબાપ એક તરફથી રિખવના લગ્ન માટે આવી ઉદાસીનતા સેવતાં જતાં હતાં તે દરમિયાન રિખવ પોતે ઓધિયાની ફિલસૂફી પઢતાં પઢતાં લગ્નપ્રસંગને વિલંબમાં નખાવતો જતો હતો.

શરૂશરૂમાં તો આભાશાએ રિખવના આ ઉદાસીન વલણને સંસ્કારી પુત્રના સ્વભાવજન્ય શરમાળપણા અને વિનમ્રતામાં ખપાવ્યું; ૫ણું મોડે મોડે જ્યારે પેઢીના માણસો તરફથી, રિખવ–દલુ–ઓધિયાની ત્રિપક્ષી ધરીનાં પરાક્રમો અને એ ધરીમાં ધમલાએ પોતાની સેવાઓ અર્પીને ઊભી કરેલી ચાંડાળ ચોકડીની વાતોનો આભાશાના કાનમાં ગણગણાટ થવા લાગ્યો ત્યારે જ પુત્રની સંસ્કારિતા અંગે પિતાનું ભ્રમનિરસન થવા પામ્યું.

આભાશાને દીવા જેવું સૂઝી આવ્યું કે હવે વધારે સમય રાહ જોવામાં લાભ નથી. પોતે જેને આજ દિવસ સુધી અણમૂલું ગણતા હતા એ મોતીને સમયસર વીંધી નાખવામાં જ માલ છે. મોડું થશે તો એ મોતીની કિંમત કાચના કકડા જેટલીયે નહિ રહે.

છતાં આભાશાના માર્ગ આડે મુશ્કેલી હતી. વિમલસૂરીએ આભાશાને કહી રાખ્યું હતું કે તમારું મોતી વીંધતા પહેલાં મને પૂછજો. આભાશાએ જેટલી જેટલી વાર રિખવના વેવિશાળની વાત કરી તેટલી તેટલી વાર વિમલસૂરીએ ઘસીને ના જ કહી હતી : ‘હજી વાર છે. ખમી ખાવ. ઉતાવળ કરીને પસ્તાશો. હજી એક ગ્રહ સામે જઈને પડ્યો છે.’

પુત્રને પરણાવવાનો આભાશાનો બધો જ ઉત્સાહ ઓસરી ગયો. પણ વિમલસૂરીનું વાક્ય એટલે આભાશાને મન બ્રહ્મવાક્ય; એનો લોપ ન થઈ શકે. જિંદગીભરમાં આભાશાએ આ ગરવા મુનિનું વેણ ઉથાપ્યું નહોતું. તો પછી આવો પ્રશ્ન, જેમાં આખા