પૃષ્ઠ:Vyajno Varas.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુલેખા
૪૯
 

 તો આભાશાએ મીંગોળાનાં અર્ધાં ખોરડાં ગીરો અને વેચાણખત દ્વારા પોતાની માલિકીનાં કરી જ લીધાં હતાં, અને બાકીનાં અર્ધાં ખોરડાં પણ આવતાં દસવીસ વર્ષમાં આ પેઢીની જ માલિકીનાં થશે એવી દીર્ધદષ્ટા ચતરભજની ગણતરી હતી. આ રીતે, લોકો આભાશાને મીંગોળાનો રાજા ગણતા હતા. આ મીંગોળામાં જ એમીનું સાસરિયું હતું. એક ભારે અટંકી, જુનવટવાળા, ખાનદાન પણ આજે સંજોગવશાત્‌ ભાંગી ગયેલા, બહોળા જથ્થાવાળા કુટુંબમાં લાખિયારે એમીને પરણાવી હતી.

મીંગોળાનો બધો વહીવટ ચતરભજ હસ્તક હતો એટલે ચતરભજને કારણે ઓધિયાને તેમ જ ઓધિયાને કારણે દલુને મીંગોળાની અવરજવર ચાલુ જ રહેતી અને એને પરિણામે આ ખાપરા–કોડિયાઓ તેમની સહેલગાહમાં રિખવને પણ કોઈ કોઈ વાર સાથે લેતા. અને એ રીતે, એમી સાથેના શૈશવકાળના સંબંધોની કડીઓ આજે પણ અતૂટ રહી શકી હતી.

આભાશાને કોઈ દિશા નહોતી સૂઝતી. જો કે એક માર્ગ તો દીવા જેવો ચોખ્ખો હતો – રિખવને વીસનહોરી વળગાડી દેવાનો – પણ એ માર્ગ આડે વિમલસૂરી લાવ ફાનસ લઈને ઊભા હતા. ‘ખબરદાર, મને પૂછ્યા વિના રિખવને કંકુઆળો કર્યો છે તો ! હજી એક ગ્રહ આડો પડ્યો છે ત્યાં સુધી લગ્નયોગમાં વિઘ્ન આવશે.’

વિમલસૂરીની આવી કડક આજ્ઞા હતી. એનું ઉત્થાપન પણ શેં થાય ? સંસારમાંથી વિરક્ત થયેલા આવા વીતરાગી આચાર્ય પણ રિખવના લગ્ન બાબતમાં આટલો નકારાત્મક આગ્રહ સેવે એ કાંઈ કારણ વગર તો ન જ હોય.

વીસપુરના નગરશેઠ નિહાલચંદ લશ્કરી આભાશાના સમોવડિયા હતા. વર્ષો સુધી આ નગરશેઠની પેઢીએ ગાયકવાડી લશ્કરોની