પૃષ્ઠ:Vyajno Varas.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
વ્યાજનો વારસ
 

 શરાફી કરી હતી. આજે દેશકાળ બદલતાં એ ધંધો પડી ભાંગ્યો હતો છતાં વીસપુર પંથકમાં ધીરધાર તેમ જ સોનાચાંદીનું ચોક્સીપદુ આ લશ્કરીની પેઢીએ સાચવી રાખ્યાં હતાં. આભાશા અને ‘નિહાલ–લશ્કરી’ એ પ્રાંતની નાણાકીય દુનિયામાં ‘બળિયા જોદ્ધા બે’ જેવું બિરુદ પામ્યા હતા. બન્ને પેઢીઓની હૂંડીની ઊંચી શાખ નગદ નાણાં જેટલી હતી. નિહાલ-લશ્કરી તેમ જ આભાશાને હૂંડીના હિસાબોની ચોખવટ માટે તેમ જ અન્ય સામાજિક પ્રસંગોએ એકબીજાને ગામ અવરજવર થતી રહેતી. બંને કુટુંબો ઘણી વખત લાંબી યાત્રાઓને પ્રસંગે સાથે જ નીકળતાં. વર્ષો પહેલાં સમતશિખરણી યાત્રા બંને કુટુંબોએ સાથે કરેલી. હજી ગયે વર્ષે કેસરિયાજીમાં પણ બેય કુટુંબો ભેગાં થઈ ગયાં હતાં. લશ્કરી શેઠની સુલેખા રંગેરૂપે કંકુની પૂતળી જેવી હતી અને આભાશા, માનવંતી, તેમ જ અમરતની આંખમાં એ ક્યારની વસી ગઈ હતી. રિખવને પણ નાનપણથી જ, બીજી છોકરીઓના કરતાં સુલેખા સાથે વધારે ગોઠતું. પણ એથીય વધારે ઉગ્ર આકર્ષણ તો સુલેખાને રિખવ પ્રત્યે હતું. લશ્કરી શેઠની આ એકની એક લાડકવાયી કોડીલી કન્યાએ રિખવને પહેલવહેલો સમતશિખરની યાત્રામાં જોયો ત્યારથી જ એને મનમાં ને મનમાં પૂજ્યો હતો. ખુદ નિહાલચંદ શેઠ, તેમની પત્ની તેમ જ બન્ને પુત્રોને પણ આભાશાના રિખવ પ્રત્યે સારો આદર હતો અને સુલેખા–રિખવની જોડી થાય તો સોનામાં સુગંધ મળે એમ ઘરનાં સહું માણસો માનતાં હતાં. સુલેખા માટે વર શોધવાની ચિંતા ઘરના માણસો કરતાંય વધારે તો પરગજુ ગામલોકોને લાગી હતી. સુલેખામાં જાણ્યેઅજાણ્યે, સક્રિય કે નિષ્ક્રિય રીતે રસ લઈ રહેલા સહુ લોકોએ આ બન્ને શ્રીમંત કુટુંબના સંબંધો ઉપરથી અને જાણે કે સુલેખાનું મનોગત પામી જઈને ચુકાદો આપી દીધો હતો કે સુલેખાએ તો રિખવ ઉપર ન્યોછાવર થઈને એની સાથે ઇચ્છાલગ્ન કરી જ