પૃષ્ઠ:Vyajno Varas.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુલેખા
૫૧
 


નાખ્યાં છે. પ્રેમકથાઓમાં આવતી રાજાની કુંવરીની જેમ આ દુનિયામાં રિખવ સિવાય બીજાં સહુ એને મન ભાઈબાપ છે, એમ નજુમીઓ કહેતા.

જનતા–જનાર્દનનો આ ચુકાદો છેક વજૂદ વગરનો તો કેમ કહેવાય ? સુલેખા પણ શ્રીમંત માબાપની લાડચાગમાં ઉછરેલી ભારે અહમ્‌ભાવવાળી રસિકા હતી. રિખવ એટલી જ જાહોજલાલી વચ્ચે મોટો થયેલો, પણ સુલેખા જેટલા જ અભિમાનથી ભરેલો અને વિલાસી સ્વભાવનો યુવાન હતો. પણ સુલેખા અને રિખવનાં નાનપણનાં મિલનોમાં રિખવની વિલાસવૃત્તિ જે હજી થોડી અછતી હતી, તે સુલેખાને તેના આકર્ષણમાં કોઈ રીતે અવરોધક બનાવને બદલે ઉત્તેજક બની હતી. પ્રથમ પરિચયે જ રિખવની સુરેખ, નમણી, તેજસ્વી મુખમુદ્રાની જે છબી સુલેખાએ ઝીલી હતી તે વર્ષો જતાં યાદદાસ્તના ટાંકણાં વડે એના માનસમાં કંડારાઈ ગઈ હતી. લશ્કરી શેઠની વીસપુરની આલીશાન હવેલીની ઊંચી છજામાં ઘણી વેળા નખશિખ શ્વેત પટકૂળોમાં સજ્જ થઈને સુલેખા પદ્મિનીની છટાથી ઊભી ઊભી રિખવની પ્રતીક્ષા કર્યા કરતી ત્યારે કોઈક વાર પાછળથી મસ્તીખોર ભોજાઈ આવીને નણંદને પકડી પણ પાડતી અને પૂછતી.

‘કોની રાહ જુઓ છો, બહેન ?’

‘તમારી જ.’ સુલેખા છોભીલી પડી જઈને જવાબ આપતી.

‘જાવ જાવ ! મારી રાહ જોવા સારુ આમ આકાશ સામે નજર કરીને ન ઊભાય. હું તો અહીં તમારી આંખ સામે જ ઊભી છું.’ ભોજાઈ ઠપકો આપતી હોય એવા બનાવટી ઉગ્ર અવાજે બોલતી અને પછી મુખ્ય વાતનો મર્મ કહી નાખતી :

‘રિખવ કાંઈ એમ આકાશ સામું જોયા કર્યે નથી આવવાનો, સમજ્યા ?’

સુલેખાના રતાશભર્યા ગાલ વધારે રાતા થઈ જતા. ભાભીના