પૃષ્ઠ:Vyajno Varas.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
વ્યાજનો વારસ
 


કથનના સંદર્ભમાં આપમેળે જ પોતાના હૈયાનો પ્રશ્ન હોઠે આવી જતો : ‘આકાશ સામું જોયે નહિ આવે તો કેવી રીતે આવશે, તમે જ કહોને !’

ભાભી આંખો નચાવીને પૂછતી : ‘કહું ?’

‘હા, કહો.’

‘સાચોસાચ કહી દઉં ?’ ભાભીની આંખો વધારે નાચતી.

‘હા, કહો ને ! સાચે જ નહિ તો શું ખોટે જ કહેવાતાં હશે ?’ ભોળી સુલેખા કહેતી.

‘સાચોસાચ કહી દઈશ હો !’ ભાભી ધમકી આપતી.

‘કહી દિયોને ! નાહક ટટળાવો છો શું કામ ?’ સુલેખા રડવા જેવી થઈ જતી.

‘લ્યો ત્યારે હવે તમારું બહુ મન છે, તો કહી દઉં. રિખવ એમ આકાશ સામે જોયા કર્યે નહિ આવે, પણ…’ ફરી ભાભીએ નણંદની અધીરાઈ વધારી.

‘જાવ, હું તમારી જોડે કોઈ દિવસ બોલીશ જ નહિ ! ‘પણ’, ‘પણ’, કર્યા કરો છો તે !’

‘ઠીક લ્યો, હવે પૂરું જ કરું. હં, એમ આકાશ સામું જોયે નહિ આવે પણ આંહી ડેલીએ પોંખાતો હશે ને તમે જઈને તાંબૂલ છાંટી આવશો ત્યારે આવશે; લ્યો હાંઉ ? હવે રાજી ?’

એ પ્રસંગે સુલેખાના મોં ઉપર એટલું તો લોહી ધસી આવ્યું અને એની છાતીના ધબકારા એટલા તો વધી પડ્યા કે એને ૨ડવાનું મન થઈ આવ્યું. ૨ડ્યા વિના આ આનંદનો અતિરેક નહિ જ જીરવાય એમ એને લાગ્યું. પણ તે પહેલાં તો ભાભી કંઈક કામનું બહાનું કાઢીને દોડી ગઈ હતી એટલે સુલેખાનો ક્ષોભ દૂર થયો અને વરસાદની આંધી વીખરાયા પછીની ખુશનુમા પ્રફુલ્લતા એ અનુભવી ૨હી.