પૃષ્ઠ:Vyajno Varas.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



[૭]


વિમલસૂરીની સલાહ

વ્યાખ્યાન હજી ચાલતું હતું ત્યારે જ આભાશાએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો એટલે સહુ શ્રાવકશ્રવિકાઓનું ધ્યાન આ નવા અને કાંઈક અંશે, પરગામના હોવાને કારણે અજાણ્યા આગંતુક તરફ ખેંચાયું. આભાશા તો, બહુ અશાતના થવા ન પામે એની સાવચેતી રાખીને શ્રોતાઓને છેવાડે જ ઝટપટ બેસી જવાનું કરતા હતા, પણ આગલી હરોળમાં બેઠેલા ગામના અગ્રગણ્ય શ્રાવકો આભાશાને ઓળખી ગયા તેથી તેમણે આગ્રહપૂર્વક એમને પોતાની પાસે બોલાવી લઈને બેસાડ્યા. બેસતાં પૂર્વે આભાશાએ વિમલસૂરીને ત્રણ વખત જે વંદના કરી તે દરમિયાન આચાર્યની જબરી અનિચ્છા છતાં આભાશા તરફ એમનું મોં આછો મલકાટ કરી ગયું; અને એ દૃશ્ય કેટલાક શ્રાવકશ્રાવિકાઓએ જોયું ત્યારે એ સહુને આચાર્યના આ દર્શનાર્થીની મીઠી અદેખાઈ આવી.

વ્યાખ્યાન પૂરું થયે શ્રોતાઓ ધીમે ધીમે વિખરાયા. સંઘના બેત્રણ મોવડીઓએ આવીને આભાશાને જમવાનું આમંત્રણ આપ્યું. આભાશાએ વિનયપૂર્વક એ નોતરાનો સ્વીકાર કર્યો પણ જણાવ્યું કે આચાર્યશ્રીનો શક્ય તેટલો વધારે સમાગમ થઈ શકે એ માટે હું અહીં જ રહીશ અને અહીં જ મને જમણ મોકલી આપો તો સારું.

ભાવિક શ્રાવકોએ આભાશાની ઇચ્છા પ્રમાણે જ એમની ખાતરબરદાસ્ત કરી.