પૃષ્ઠ:Vyajno Varas.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
વ્યાજનો વારસ
 


રહ્યો. એ પણ અર્ધાંગ કહેવાય…’

‘પ્રભુ, એ આપના હૃદયની વિશાળતા છે, ઉદારતા છે. એ ઉદારતાએ જ મને અહીં સુધી ઢસરડી આણ્યો છે.’ આભાશાએ કહ્યું.

‘કહો, અહીં સુધી ઢસરડાતું આવવું પડે, એટલી ઉતાવળ તે શી છે ?’ વિમલસૂરીએ ફરી હસીને પૂછ્યું.

‘કારણ તો મારા કરતાં વધારે સ્પષ્ટ રીત તો આપ જાણો છો, ગુરૂદેવ ! રિખવ ને સુલેખાનો સંબંધ…’

‘બહુ ઉતાવળા થાઓ છો શાહ ! હજી થોડો સમય રાહ જોઈ જાઓ ! એક ગ્રહ વિઘ્ન ઊભું કરી રહ્યો છે. એનો યોગ પૂરો થવા દો.’

‘પણ મેં બહુ દિવસ રાહ જોઈ……’

‘તો હવે થોડા દિવસ વધારે જુઓ !’

‘પ્રભુ, હવે મારી ધીરજ આવી રહી છે. આપની આજ્ઞાનું ઉથાપન કરવું પડે એવો પ્રસંગ બની ગયો છે… હું ઘેરાઈ ગયો છું. રિખવના જીવનમરણનો એ પ્રશ્ન છે. આભાના આખા વંશવેલા ને વારસના……’

‘એટલું બધું શું છે શાહ ?’ વિમલસૂરીએ વચ્ચે પૂછ્યું.

‘પ્રભુ, મારા કોઈ પાપકર્મનો ઉદય છે.’ આભાશાએ વિમલસૂરીના પગના પોંચા ઉપર પોતાનું મસ્તક ઢાળી દીધું અને ઉમેર્યું : ‘એ વિના આમ ન બને.’

‘શું બન્યું છે શાહ ? વાત તો કરો.’

જવાબમાં માત્ર આભાશાનું એક આછું ડૂસકું જ સંભળાયું.

વિમલસૂરી આટલા ઉપરથી તો ઘણું ઘણું સમજી ગયા. તેમને થયું કે આભાશાનું આજનું આગમન જરૂર કોઈ અગત્યના સમાચાર આપવા અર્થે છે. સાંજે પૌષધગૃહમાં દૂર બેસીને અધ્યયન કરતા શિષ્યોથી આભાશા સંકોચ ન અનુભવે એવી ગણતરીએ વિમલસૂઉરી ઊભા થઈને બહારના વિશાળ છજામાં ગયા અને