પૃષ્ઠ:Vyajno Varas.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિમલસૂરીની સલાહ
૬૧
 

 ‘યોગ તો સંભવિત નહિ, સિદ્ધ પણ થઈ ચૂક્યો કહેવાય. હવે તો વિઘ્નની જ વાટ જોવી રહી...’

માથે વજ્ર પડ્યું હોય એમ આભાશાનો અવાજ તરડાઈ ગયો : ‘હજી કાંઈ વિઘ્ન પણ બાકી છે, ગુરુદેવ ?’

‘જુઓ શાહ, જ્યોતિષને તો જૈન આગમોએ મિથ્ય શ્રુતિ ગણાવ્યું છે એટલે એના ઉપર ભરોસો ન રાખવો જોઈએ. જયોતિષને આધારે જીવવાથી મનુષ્ય પુરુષાર્થ હારી બેસે છે, એને બદલે પુરુષાર્થ વડે માણસે જ્યોતિષને પડકાર કરવો જોઈએ....’

‘ગુરુદેવ, જો આમ જ હોય, તો પછી સુલેખા સાથે સંબંધ બાંધવામાં શી હરકત છે ?’ આભાશાએ પૂછ્યું : ‘સુલેખાની જન્મકુંડળી તો મેં છૂપી રીતે તૈયાર કરાવીને આપને આપી જ છે...’

‘હા, એ તો બરોબર છે. સુલેખાના ગ્રહનો પણ મેં સારી પેઠે અભ્યાસ કર્યો છે. કોણ જાણે કેમ, પણ મને એમાં બહુ જ ૨સ ઉત્પન્ન થયો છે. સુલેખાના ગ્રહો તો ભારે તેજસ્વી અને બળવાન છે. કાં તો કોઈ પ્રતિભાશાળી વિદુષી બને, કાં તો મહાન તપસ્વિની, અથવા તો બન્નેનો, દૂધસાકર જેવો સુભગ સંયોગ થાય.’

‘પ્રભુ, મારાં એવાં સદ્‌ભાગ્ય ક્યાંથી, કે મારે આંગણે એવી તપસ્વિની.....’

‘હાં, એ તે બરાબર છે. સુલેખા તો પુણ્યશાળી આત્મા છે. પણ રિખવ અને એમીના સંબંધો અંગે વિચારવાનું રહે છે...’

આભાશા બે હાથ વચ્ચે મોં છુપાવી દઈને બોલ્યા : ‘રિખવને એવી કુબુદ્ધિ ક્યાંથી સુઝી હશે, પ્રભુ ?’

‘બધા કર્મના ખેલ છે. મનુષ્ય તો એ ખેલનું નિમિત્ત માત્ર છે...’

‘પણ પ્રભુ, આપ વ્યાખ્યાનમાં વારંવાર કહો છો કે પુણ્યશાળી આત્માના સહવાસથી પાપાત્માનો પણ ઉદ્ધાર થાય છે.