પૃષ્ઠ:Vyajno Varas.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિમલસૂરીની સલાહ
૬૩
 

 અને એમાં બળદ તેમ જ અન્ય પશુઓની સહાય લેવાનું કહ્યું. લોકોએ એ આજ્ઞા પ્રમાણે પશુઓની સહાય લેવા માંડી પણ વાવેલા અનાજનાં કણો બળદ ખાઈ જવા લાગ્યા ! ઋષભદેવે કહ્યું કે બળદને મોંએ મોડો બાંધી રાખો એટલે વાવેલું અનાજ એ ખાઈ શકશે નહિ. લોકોએ આજ્ઞાનું પાલન કર્યું પણ ખેતીનું કામ થઈ ગયા પછી પશુઓને મોંએથી એ મોડાં છોડી નાખવા જેટલી બુદ્ધિ ન સૂઝી, પરિણામે મૂંગા પશુઓ મોં-બંધનને કારણે વિના અપરાધે ભૂખ્યાં રહ્યાં. એ અંતરાયકર્મ ઋષભદેવને પોતાના વરસી-તપના પારણા ટાણે ભોગવવું પડ્યું હતું તે તો તમે જાણો છે ને ? આમ, ખેડૂતોનું હિત કરવા જતાં મુંગા પશુઓનું અહિત થઈ ગયું હતું, એટલે, અમે સાધુઓ તો આવા નાજુક પ્રશ્નમાં હા કે ના કશું ન કહીએ. અમે તો યથાર્થની સમજણ પાડી દઈએ અને નિર્ણય સામા માણસ ઉપર જ છોડીએ.’

આચાર્યનું આ પ્રવચન સાંભળીને આભાશા ટાઢાબોળ બની ગયા હતા. તેઓ ક્યારના વિચારી રહ્યા હતા કે રિખવ અને એમીનો તે દિવસનો પ્રસંગ ન બન્યો હોત તો પોતે કેટલા સુખી રહ્યા હોત ! આજે આ લાખોની ધનસંપત્તિ અને વૈભવ છતાં પોતાના આત્માને ક્લેશ થઈ રહ્યો છે.

નિઃસહાયતા અનુભવતા તેમણે ફરી એ જ પ્રશ્ન પૂછ્યો :

‘ભગવંત, શા કુટુંબની આટલી પેઢીઓમાં આ બનાવ નથી બન્યો. રિખવને આવું દુષ્કૃત્ય સૂઝ્યું એનું કારણ મને નથી સમજાતું...’

'શેઠ, એ તો દરેક જીવના સંસ્કાર ઉપર આધાર રાખે છે. પૂર્વ જન્મના સંસ્કાર પણ મનુષ્યનું જીવન ઘડે છે, તેવી જ રીતે આ જન્મના સંસ્કાર પણ....’

‘ગુરુદેવ આ જન્મની વાત કરો છો ત્યારે કહું છું કે રિખવને સંસ્કાર આપવા માટે તો મેં પાણીની જેમ પૈસા