પૃષ્ઠ:Vyajno Varas.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
વ્યાજનો વારસ
 

 વાપર્યા છે. રાજદરબારના શાસ્ત્રી માધવાનંદજીને રોકીને રિખવને ગીર્વાણગિરાનું અધ્યયન કરાવ્યું છે. સંસ્કૃત અને માગધીના એ પંડિતે રિખવને જૈન આગમાનું જ્ઞાન આપ્યું છે.’

‘લશ્કરી શેઠે પણ સુલેખાને વિદૂષી બનાવવા માટે એટલી જ કાળજી લીધી છે.’ વિમલસૂરીએ કહ્યું : ‘સુલેખા તો ખરેખર ભવ્ય જીવ હોય એમ લાગે છે. શેઠ, આપણે ત્યાં તો કહેવત છે ને, પુત્રનાં લક્ષણ પારણામાંથી ને વહુનાં લક્ષણ બારણામાંથી. લશ્કરી શેઠને ત્યાં હું જ્યારે જ્યારે ગોચરીએ ગયો છું, ત્યારે પાત્રમાં વસ્તુઓ વહોરાવતી સુલેખાને જોતાં મને એમ જ લાગ્યું છે કે આ કઈ પૂર્વભવની તપોભ્રષ્ટ યોગિની છે, જેને થોડીક જ યોગસાધના અધૂરી રહી જવાને કારણે આ ભવમાં અવતરવું પડ્યું છે. એના સુંદર મોંની આસપાસ ચમકતી આભા જ કોઈ અલૌકિક લાગે છે. એવી ભવ્યતા મેં રિખવમાં નથી જોઈ રિખવની બુદ્ધિ પ્રતિભાનો વિસ્તાર અલબત્ત, સુલેખા કરતાં વધારે વિસ્તૃત છે, પણ એમાં સુલેખાની પ્રતિભાનું ઊંડાણ નથી. કુવા કરતાં જળાશય વહેલું સુકાય એ તો આપ જાણો છો ને ?’

‘ગુરુદેવ, રિખવ વિશે આપને આવી છાપ પડી તે એની યુવાન વયની રસિકતાને જ કારણે બાકી—’

‘હા, રસિક હોવું એ કાંઈ ગુનો નથી. રસિકતા એ તો ઉત્તમ મનુષ્યોનો એક ગુણ છે. પણ એક વ્યક્તિમાં એ રસિકતા માત્ર રસિકતા જ રહે, આસક્તિ જ રહે, ત્યારે બીજી વ્યક્તિમાં એ રસસમાધિ બની રહે અને આત્માનું ઉર્ધ્વીકરણ કરે. માફ કરજો, પણ રિખવમાં મને રસલોલુપતા લાગી છે, ત્યારે સુલેખામાં મેં રસસમાધિ જોઈ છે...’

‘ગુરુદેવ, ઉસ્તાદ અયુબખાનજીએ અને બારોટ ખેમરાજે રિખવને સંગીતનો ગજબનો શોખ લગાડ્યો છે એ તો આપ જાણો જ છો...’