પૃષ્ઠ:Vyajno Varas.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિમલસૂરીની સલાહ
૬૫
 

 ‘હા, અને સુલેખાને બાળપણથી જ ચિત્રકળાનો નાદ લાગ્યો છે એ પણ હું જાણું છું... આજ સાત સાત વર્ષથી ‘સુરૂપકુમાર’ નામનું એક ચિત્ર એ દોરી રહી છે છતાં હજી એ અધૂરું છે. એ તમે જાણો છો ?’

‘જી, હા. ગયા વર્ષે અમે સહકુટુંબ સાથે હતાં ત્યારે એ અધુરું ચિત્ર જોયું હતું. સુલેખા કહેતી હતી કે આ ચિત્ર પૂરું થતાં હવે થોડાં જ વર્ષોની વાર લાગશે.’ આભાશાએ કહ્યું.

‘બિચારી ભોળી સુલેખા !’ વિમલસૂરી હસી પડ્યા : ‘એને ભોળીને ક્યાંથી ખબર પડે કે ચિત્ર પૂરું થતાં તો હજી ઘણી વાર લાગશે !’

આભાશા આ હાસ્યનો કે વાક્યનો મર્મ ન સમજતાં આચાર્ય ની સામે પૃચ્છક નજરે તાકી રહ્યા. થોડી વારે વિમલસૂરીએ પોતે જ પોતાના મર્મવાક્યનો સ્ફોટ કર્યો :

‘એ ચિત્રમાં શાની સંજ્ઞાઓ છે તે જાણો છો ? પુરુષ અને પ્રકૃતિનાં બળોને સુલેખાએ પીછીમાં ઉતાર્યા છે. ભારે જોરદાર રેખાઓ વડે એ બળોને તાદૃશ કરવામાં એણે વર્ષો સુધી જહેમત લીધી છે. એ બન્ને આદિ-બળોના સંયોગથી ઉત્પન્ન થતા ત્રીજા બળનું નામ છે 'સુરૂપ' અથવા 'સરૂપકુમાર' રાખ્યું છે. સકળ વિશ્વનાં રૂપો આ બાળકમાં મૂર્ત થશે. વિશ્વની ચેતન સૃષ્ટિના સાતત્યનું એ મંગલ પ્રતીક ગણાય. સમસ્ત માનવજીવનનું માંગલ્ય એમાં સોહાશે.’ આટલું કહીને વિમલસૂરી જરા વાર મૂંગા રહ્યા. પછી એકાએક બોલી ઊઠ્યાં :

‘હું તમને ફરી ફરીને કહું છું કે સુલેખા એક ભવ્ય જીવ છે. એ વિના એને આવી મંગલમય કલ્પના ન સૂઝે.’

‘ગુરુદેવ, સુલેખાને જેટલો ચિત્રકળાનો નાદ છે, એટલો જ રિખવને સંગીતનો પ્રેમ છે. વળી...’

‘હા, મને એણે બેચાર વસ્તુઓ ગાઈ સંભળાવી હતી તેથી