પૃષ્ઠ:Vyajno Varas.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીજી આવૃત્તિ પ્રસંગે

થોડા દાયકા પૂર્વેની ભૂમિકા પર મંડાયેલી આ નવલકથાની પહેલી આવૃત્તિમાં રહી જવા પામેલ કેટલાક હકીકત-દોષો આ આવૃત્તિમાં સુધારી લીધા છે. એમાં શ્રી ધનસુખલાલ મહેતાએ સારી મદદ કરી છે. વિમલસૂરીના પાત્રાલેખનમાં એક વર્તન-દોષ આલેખાઈ ગયેલો, એ અંગે જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ તરફથી તેમ જ કેટલાક વ્યક્તિગત જન વાચકો તરફથી ઉગ્ર રોષભર્યા પત્રો આવેલા. અજાણતાં જ થઈ ગયેલી એ ભૂલ આ આવૃત્તિમાં સુધારી દીધી છે.

પહેલી આવૃત્તિ અંગે પ્રગટ થયેલાં વિવેચનોમાંથી 'સંસ્કૃતિ'માંનું શ્રી ઉમાશંકર જોશીનું લખાણ આ આવૃત્તિમાં શામિલ કર્યું છે.

મુંબઈ, વિજશાદશમી, ૨૦૦૬
ચુનીલાલ મડિયા
 


પુનર્મુદ્રણ પ્રસંગે

ગુજરાતમાં વધુમાં વધુ વાચન અને વેચાણ નવલકથાઓનું થાય છે એ વાત સર્વાંશે સાચી લાગતી નથી, અથવા એ નિયમમાં આ કૃતિની બીજી આવૃત્તિની નકલો હજી ખલાસ થઈ નથી. એ નકલો અલબત્ત, ઓછી થઈ છે. અને એ ઓછી કરાવવામાં પણ આ કથાને પાઠ્યપુસ્તક તરીકે પસંદ કરનાર પૂના યુનિવર્સિટીનો મોટો ફાળો છે. તેથી, આ પુનર્મુદ્રણ પ્રસંગે આ કથાના થોડાઘણા વાચકોને, આ કૃતિના પ્રકાશન વેળા એની નોંધ લેનાર કેટલાક વિવેચકો અને વિદ્વાનો, તથા હવે તો પરપ્રાંતમાં ગણાનારી પૂના યુનિવર્સિટીનો અને આ પુનર્મુદ્રણ પ્રગટ કરવાની હામ ભીડનાર રવાણી પ્રકાશન ગૃહનો આભાર માનું છું.


મુંબઈ, ડિસેમ્બર ૧૯૫૯
- ચુ. મ.