પૃષ્ઠ:Vyajno Varas.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
વ્યાજનો વારસ
 

 હું પરિચિત છું. પણ મેં તમને કહ્યું છે કે રિખવની રસવૃત્તિ હજી સ્થૂળ રહી છે; એનું ઊર્ધ્વીકરણ નથી થયું. આમ તો ચિત્ર કળા તેમ જ સંગીત એક જ ડાળની બે પાંદડીઓ જેવી સહીપણીઓ છે. એકને વ્યક્ત થવાનું માધ્યમ રંગરેખા છે, તે બીજાનું માધ્યમ સ્વર છે-શબ્દ છે. બન્નેમાં, આત્માની કલા વ્યક્ત થઈ શકે છે. અને છતાં જુઓ કે સુલેખા એના કલાવ્યાસંગ દ્વારા આત્મોન્નતિ તરફ પ્રયાણ કરી રહી છે, ત્યારે રિખવ હજી ગાયિકાઓ અને નર્તકીઓના આવાસમાંથી ઊંચો નથી આવી શક્યો...’

ફરી થોડી વાર બન્ને જણ મૂંગા રહ્યા. આભાશા નીચું જોઈ ગયા હતા. તેમણે છેવટે પોતાની મૂંઝવણ ફરી સંભળાવી :

‘ગુરુદેવ, એનું કારણ શું હશે ? રિખવના વર્તનની વિચિત્રતા મને પણ નથી સમજાતી...’

‘શાહ, એ વિચિત્રતા રિખવના વર્તનની નથી. વિધિની વિચિત્રતા છે. જે વસ્તુ નિર્મિત થઈ ચૂકી છે, એ હરકોઈ રીતે થવાની જ છે. નિયતિ છે એમાં મીનમેખનો ફેર ન થઈ શકે.’‘’

‘ભગવન્ત’, આભાશાએ બે હાથ જોડ્યા : ‘જો એમ જ છે, તો પછી રિખવ અને સુલેખાના સંબંધ માટે ક્યાં સુધી રાહ જોઈને બેસી રહું ? લગ્નમાં વિઘ્નયોગ હશે તો તો એ આપણાથી થોડો ટાળી શકાવાનો હતો ?’

‘યથામતિ. અમે સાધુઓ આવી બાબતમાં સક્રિય રીતે ભાગ ન લઈ શકીએ. કોઈને કશી આજ્ઞા પણ ન આપી શકીએ. અમે તો એટલું જાણીએ કે સંસારી કાર્યોમાં મનુષ્યે ધર્મબુદ્ધિ રાખીને યથામતિ આચરણ કરવું જોઈએ...’

વિમલસૂરીનો પ્રતિક્રમણનો સમય થાય છે, જાણી આભાશાએ ઊભા થવાનું કરતાં કહ્યું : ‘બસ, તો ગુરુદેવ, કરું છું કંકુના !’ અને બન્ને હાથ જોડી વંદના કરી.

વિમલસૂરી માત્ર રાબેતાનો જ શબ્દ બોલ્યા :

‘ધર્મ લાભ !’

*