પૃષ્ઠ:Vyajno Varas.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



[૮]
ચારુદત્તને ચીલે ચીલે

રમિયાનમાં રિખવની રસિકતા તો દિવસે દિવસે બહેકતી ચાલી હતી, જૈનસાહિત્યનાં આગમો તેમ જ સંસ્કૃતમાં ધર્મગ્રંથોનું શિક્ષણ આપવા માટે રોકેલા શાસ્ત્રી માધવાનંદ પાસેથી એણે શૃંગારના રસસ્વામી કાલિદાસનો પરિચય કર્યો; પણ મેઘદૂત અને શાકુન્તલના સેવનથી એની રસવૃત્તિ સાત્વિક બનવાને બદલે રાજસી થતી ગઈ. મૃચ્છકટિક અને સ્વપ્નવાસવદત્તે રિખવની અકાળે ઊઠેલી વાસનાઓને વકરાવી મૂકી.

સંગીતના શિક્ષણ માટે આભાશાએ ઉસ્તાદ અયુબખાન અને બારોટ ખેમરાજને રોક્યા હતા. ઉસ્તાદજી જુદાં જુદાં તંતુવાદ્યો અને રાગરાગિણીઓનું શાસ્ત્રીય જ્ઞાન આપતા અને બારોટ દહેરાસરમાં પ્રતિમાજી સામે ગાવાનાં સ્તવન તેમ જ પૂજાઓનાં ગીતાના ઢાળ બેસાડી આપતા. આભાશાના જીવનની મોટામાં મોટી ઈચ્છા વિમલસૂરીના સૂચન પ્રમાણે ઉત્તરાવસ્થામાં નિવૃત્તિ લેતાં પહેલાં રિખવને બધો કારભાર સોંપતી વેળા સાધુસાધ્વી શ્રાવક તેમ જ શ્રાવિકાઓ ચાતુર્વિધ સંઘ કાઢીને ગિરનાર ઉપર નેમિનાથની પ્રતિમા સમક્ષ રિખવને હાથે મહાપૂજા ભણાવીને પ્રતિમાજીને સવા લાખ રૂપિયાનો હાર પહેરાવવાની હતી. પરસાળમાં અથવા બેઠકના ઓરડામાં જ્યારે સંગીતશિક્ષક પાસે બેસીને રિખવ એના સુમધુર કંઠે ગાતો હોય ત્યારે ત્યાંથી પસાર થતા આભાશા એક દિવાસ્વપ્ન અનુભવી રહેતા : પોતે મોટો સંઘ લઈને ગિરનાર ઉપર ચડ્યા છે