પૃષ્ઠ:Vyajno Varas.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
વ્યાજનો વારસ
 

 અને પ્રતિમાજીની પૂજાનું, સંઘપતિ તરીકે પોતે ઘી બોલી રહ્યા છે.... રિખવ રેશમી દુપટ્ટાઓમાં વિભૂષિત થઈને પૂજા ભણી રહ્યો છે અને પ્રતિમાજી ઉપર સવા લાખનો....

‘શાબાપા, નાના શેઠને ખુદાએ ભારે મીઠું ગળું બક્ષિસ કર્યું છે...’

દિવાસ્વપ્નમાં ડૂબેલા આભાશાને ઉસ્તાદ પોતાની મીઠી જબાનથી જગાડતો.

‘એમ કે ? રિખવનો અવાજ બહુ જ મીઠો છે એમ ?’ આભાશા અર્ધાઅર્ધા થઈને પૂછતા.

‘જી, હાં શેઠ. મેં જયપુર, લખનૌ, કનોજ, દિલ્હી, લાહોર બધાં શહેરની ગાયિકાના કંઠ સાંભળ્યા છે, પણ આવું સૂરીલું ગળું ક્યાંય સાંભળવા નથી મળ્યું.’

‘શી વાત કરો છો !’ આભાશાના અંગરખાની કસો તુટું - તૂટું થઈ રહેતી.

‘જી હાં, રિખવ શેઠને તો આ ખુદાઈ બક્ષિસ છે.’ ઉસ્તાદ કહેતો.

અંદરના ઓરડામાં અમરત જો આવી વાત સાંભળી જાય તો એના પેટમાં તેલ રેડાતું. પોતાના દલુની અસંસ્કારિતાની સામે ભાઈના દીકરાની થતી આવી પ્રશસ્તિ એને ખૂંચતી. તરત એ બહાર આવીને કાંઈક મજાકમાં પણ મનમાં તો ગંભીરતાથી જ વચ્ચે મમરો મૂકતી:

‘ભાઈ, પુરુષની જાતને ગળું મીઠું હોય કે મોળું હોય સંધુય સરખું. રિખવને ક્યાં ગાયિકા થાવું છે કે નાયિકા થઈને નાચવું છે ?’

બહેનના આ વાક્યોથી આભાશા દાઝ્યા હોય એમ ચોંકી ઊઠતા. ‘ગાયિકા’ અને ‘નાયિકા’ શબ્દોથી એમના શરીરમાં એક ધ્રૂજારીજ પસાર થઈ જતી. કોણ જાણે કેમ, પણ હમણાં હમણાં અમરતની બોલી આવી અવળચંડી જ થતી જતી હતી એમ