પૃષ્ઠ:Vyajno Varas.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
વ્યાજનો વારસ
 



સૌન્દર્યના આ સભાનપણાએ એનામાં વિચિત્ર કૃપણતા પ્રેરી. કંજૂસને પોતાની અઢળક મૂડીને પણ અનેકગણી વધારવાનો લોભ લાગે એમ રિખવને પોતાના અપ્રતિમ દેહસૌન્દર્યને અધિક ને અધિય સુન્દર–આકર્ષક બનવાનો છંદ લાગ્યો. એણે છૂપી રીતે ઉપાશ્રય અને ગ્રંથભંડારોમાં જઈ જઈને પ્રાચીન ગ્રંથમાંથી દેહસૌન્દર્ય વધારવાના પ્રયોગોની શોધખોળ કરવા માંડી. બાવાસાધુઓ અને સાંઈમૌલાઓ પાસેથી એના કીમિયાઓ જાણવા માંડ્યા. આ પણ, એની દિવસે દિવસે વકરતી જતી વાસનાઓનો જ એક વિકાર હતો.

પેઢીમાંથી રિખવને નામે થતા નાણાંનો ઉપાડ વધવા લાગ્યો. નાની નાની રકમમાંથી મોટી મોટી રકમે એ વાત પહોંચી. રિખવના સાગરીતોની સંખ્યામાં દિવસે દિવસે ભરતી થવા લાગી. નાના શેઠની ખરીદી અને ખરચાનો તો હિસાબ જ નહોતો. આજે સુરતથી રેશમી વસ્ત્રો લઈને કાપડિયા આવ્યા છે તો કાલે કનોજથી ભાતભાતના અસલ અત્તરો વેચવા અત્તરિયા આવે છે. રિખવ શેઠ બધી વસ્તુઓનાં મોં-માગ્યાં દામ ચૂકવે છે. કોઈ પણ માણસ, પોતાની ચીજ વેચ્યા વિના પાછો નથી ફરતો. રિખવ શેઠની રસિકતા સહુને પોષણ આપે છે.

ધીમે ધીમે એણે પેઢીના કામકાજમાંથી લક્ષ ઘટાડવા માંડ્યું. ઘણોખરો સમય તો એ રાગરાગિણીઓ સમજવા પાછળ જ ગાળતો એને ગાયનવાદનનો જ નાદ લાગ્યો. રિખવ શેઠના સંગીતશોખની ખ્યાતિ દૂર દૂર પહોંચી ગઈ. એની ઉદારતા અને દિલાવરી દાખલા રૂપ થઈ પડ્યાં. પરિણામે આભાશાની મેડીને બીજે મજલે એકાદબે ઉસ્તાદ કે તંતુવાદ્યના નિષ્ણાત જત્રીઓ તો પડ્યાપાથર્યા જ રહેતા. દલુ અને ઓધિયો હમણાં હમણાં પેઢી ઉપરનું કામ ઓછું કરીને આવા આગંતુક કલાકારોની ખાતરબરદાસ્તમાં જ રચ્યાપચ્યા રહેતા. આભાશાનું ઘર એ ઉસ્તાદોનો અખાડો બની ગયું હતું.