પૃષ્ઠ:Vyajno Varas.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચારુદત્તને ચીલેચીલે
૭૧
 


છતાં હજી આભાશાની આંખ નહોતી ઊઘડી.

એક બનાવે આભાશાની આંખ ઉઘાડી.

પરસાળના વિશાળ ઓટા ઉપર રિખવ શેઠ સ્નાન કરતા હતા. પિત્તળના ચકચકતા ખોભરાંથી મઢેલ પાટલા ઉપર બિરાજેલી સુડોળ, માંસલ તપ્તકાંચનવર્ણી કાયા પાટલાના પ્રકાશને ઝાંખો પાડી રહી હતી. વિશાળ વજ્ર સમી ધોળીકૂલ પીઠ ઉપરનું નીલવર્ણું લાખુ નિરભ્ર શ્વેતરંગી આકાશમાં ઓચિંતી આવી ચડેલ શ્યામલ વાદળી સમું શોભી રહ્યું હતું. પીઠપ્રદેશની વચ્ચોવચ્ચ સહેજ બંકી અદાથી આછો વળાંક લઈને પસાર થતી કરોડ, એ માંસલ પ્રદેશને આબાદ રીતે બે વિભાગોમાં વહેંચી દેતી હતી. ખુલ્લી છાતી ઉપરની ઘેરી રુવાંટીનાં ગુચ્છો વચ્ચે સાચા પાણીદાર મોતીની સેર ડોકિયાં કરતી હતી. અસ્તવ્યસ્ત વિખરાયેલાં ગૂંચળિયાં જુલ્ફાં ઓડ–પ્રદેશ સુધી વિસ્તરતાં હતાં. નાહવાના પાટલાની બાજુમાં તોતિંગ કડાંવાળી મોટી તાંબાકૂંડી પડી હતી અને એની પડખે લાંબી નાળવાળી જલધારી હતી. રિખવ હજી તો અંધોળની શરૂઆત કરે છે ત્યાં તો એક અત્તરિયો હાથમાં અત્તરની શીશીઓની પેટી લઈને ડેલીમાં દાખલ થયો.

રિખવે બૂમ પાડીને અત્તરિયાને પોતાની પાસે બોલાવ્યો. નાહવાનું મોડું કરીને પણ એણે જુદાં જુદાં અત્તરોના નમૂના તપાસ્યા અને હાથના પોંચા ઉપર તેમ જ મૂછોએ ચોપડીને અત્તરની પરીક્ષા કરી, પણ એક્કેય ચીજથી શેઠને સંતોષ થયો હોય એમ લાગ્યું નહિ. છેવટે પેટીના એક ખૂણામાં સારી રીતે રૂના પોલમાં છુપાવેલ શીશા તરફ રિખવે આંગળી ચીંધી અને એનો નમૂનો જોવા માગ્યો. અત્તરિયો આ ગામનો તેમ જ આ શેઠનો અપરિચિત હતો. વળી, કલાકો સુધીની રખડપટ્ટી છતાં તોલાભાર પણ અત્તર વેચાયું ન હોવાથી પોતે કંટાળ્યો પણ હતો. અને આટલું મોંઘું હોવાને કારણે છુપાવી રાખવું પડેલું અત્તર