પૃષ્ઠ:Vyajno Varas.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચારુદત્તને ચીલેચીલે
૭૩
 

 ગંજાવર રકમ ચૂકવી તેથી આભાશાની આંખો ચાર થઈ ગઈ.

બપોરે આભાશા રાબેતા કરતાં જરા વહેલા વહેલા જમવા ગયા. તેમની ઈચ્છા તો એવી હતી કે આજે આટલી મોટી રકમ ખરચીને અત્તરનો કેટલોક મોટો જથ્થો ખરીદ કર્યો છે એની પૃચ્છા કરવી. પણ શેરીનું નાકું વળોટ્યું નહિ એ પહેલાં તો આભાશાનું નાક અત્તરની મહેકથી ભરાઈ ગયું. શેરી આખી સુવાસિત થઈ ગઈ હતી. ડેલીનાં પગથિયાં જ્યાં પરસાળની બધી ખાળ–મોરીઓ ભેગી થતી હતી, એ તો મઘમઘી ઊઠ્યાં હતાં. ડેલી, પરસાળ તથા ઘરના ઓરડામાંથી અત્તરની સુવાસ ફોરતી હતી.

વગર કહ્યે જ, વસ્તુસ્થિતિએ જ આભાશાને સમજાવી દીધું કે પુત્રે આજે મહામૂલાં અત્તરનાં અંઘોળ કર્યા છે. પ્રયત્નપૂર્વક રોકવા છતાં આભાશાના મોં ઉપર કારુણ્યામિશ્રિત આછો મલકાટ આવી ગયો.

શાસ્ત્રી માધવાનંદજીને આ બનાવની જાણ થઈ ત્યારે પોતાના શિષ્યની આ રસિકતા ઉપરથી તેમને ચારુદત્તની કથા યાદ આવી. મનમાં બોલ્યા : ‘ચારુદત્ત પાક્યો, પણ એની સાત્ત્વિકતા વિનાનો, નર્યો રાજસી.’

*