પૃષ્ઠ:Vyajno Varas.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
વ્યાજનો વારસ
 

 સાંભળી છે ક્યાંય ?’

‘દિવસ આખો આવી ચોરીઓ જ કર્યા કરે છે કે બીજો ધંધો છે કાંઈ ?’

‘એ તો તારે જેમ ખતવવું હોય એમ ખતવે રાખ. બાકી હા, એટલું ખરું કે અમે ભ્રમરની જેમ સુવાસિત સુકોમળ કુસુમોની શોધમાં અવિરત ભ્રમણ કર્યા કરીએ છીએ ખરા. જ્યાં જ્યાં કુસુમ ત્યાં ત્યાં ભ્રમર. એ તો સૃજનજૂનો સૃષ્ટિક્રમ છે. એમાં ભ્રમરનોય વાંક નથી ને કુસુમનોય વાંક નથી. વાંક જ કોઈનો કાઢવો હોય તો કુસમની અંદર રહેલ સૌરભનો, પરાગનો કાઢી શકાય. સમજી કે ?’

સુલેખાનો રોષ હવે લગભગ દૂર થયો હતો છતાં એણે મીઠા રોષથી રિખવને ધમકાવ્યો :

‘આવું કવિલોકોને શોભે એવું બોલતાં શાસ્ત્રીજી પાસેથી શીખ્યો લાગે છે !’

‘એમાં શાસ્ત્રીજીનો વાંક શા માટે કાઢે છે ? એ તો બિચારા આપણા ધર્મગ્રંથો હું સમજી શકું એ આશયથી મને હેમાચાર્યના સમયની અપભ્રંશ ભાષા શીખવે પણ એ સાધુએ જ સામા માણસને રોમેરોમ સળગાવી મૂકે એવી રસભરપૂર ઉત્તેજક ગાથાઓ રચી છે એનું શું કરવું ? એ સમયના સાધુઓ પણ કેટલા બધા રસિક હતા !’

‘કલિકાલસર્વજ્ઞ જેવા યોગી પુરુષની આવી હાંસી તો વિધર્મીઓ પણ ન કરે.’ સુલેખાએ ગંભીરભાવે ઠપકો આપ્યો.

‘માફ કરજે, કલિકાસર્વજ્ઞ માટે મારા મનમાં, તમારા લોકો કરતાં લગીરે ઓછો પૂજ્યભાવ છે એમ સમજીશ મા. માત્ર એટલું જ કે એમને એકલા શુષ્ક યોગી કહેવાને બદલે રસયોગી કહીશું તો એમનું બહુમાન કર્યું ગણશે. તું પોતે પણ ચિત્રકલાની રસિકા છે એટલે સમજી તો શકશે જ કે રસિકતા અને યોગીપણું અત્યંત ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યા પછી એકમેકમાં ભળી જાય છે, એકરૂપ