પૃષ્ઠ:Vyajno Varas.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ-કલંક મયંક
૮૧
 


બની જાય છે. રસાત્મા અને યોગાત્મા જુદા જુદા નથી હોતા. સાચા અને સમર્થ રસિકોને જ રસબ્રહ્માનો સાક્ષાત્કાર અને સ્વાનુભવ થાય. અને એવા રસિકોને તો સંતમહંતથીય અદકા પવિત્ર ગણવા જોઈએ. ચૈતન્ય પ્રભુ, મીરાં ને નરસિંહ મહેતાને યાદ કરો ! એ સૌ રસયોગી જ હતાં.’

‘તું પણ ત્યારે રસયોગ સાધે છે ખરું કે ?’

‘હમણાં તો રસની ઉપાસના કરીએ છીએ, પછી બુઢ્ઢા થઈશું ત્યારે યોગ કરીશું. જીવનમાંથી ખેંચાય તેટલો રસ ખેંચી લઈએ. રસ ખૂટશે ત્યારે યોગ તો છે જ ને ?’

‘વાહ વાહ ! આવી સુંદર ફિલસૂફી ક્યાંથી શીખી લાવ્યો છે !’ સુલેખાએ ‘સુંદર’નો ઉચ્ચાર વ્યંગભર્યા સ્વરે કરીને પૂછ્યું.

‘મારા ઉસ્તાદજીએ શીખવી છે. ઐયૂબખાનજી પોતે તો સાચેસાચા રસયોગી જ છે. તેમની પાસે હરહમેશ રસયોગીઓની જ વાતો હોય, કાં તો સનમ, સાકી, શરાબ અને શાયરીમાં મસ્ત રહીને બહિશ્તનો આનંદ માણનાર પેલા તંબૂ વણનારની વાત હોય ને કાં પ્રિયાના ગાલના તલ ઉપર સમરકંદ–બુખારા ડૂલ કરનારાઓની વાત હોય…’

‘રિખવ બોલ્યે જતો હતો અને સુલેખાને આવી રસભરપૂર વાતો તેમ જ એના કથનની મોહક છટા બધું જ ગમતું જતું હતું. છતાં પોતામાં રહેલી અહમ્‌ની મૂર્તિને માટે આ બધું જખ્મો કરનારું હતું. પોતામાં રહેલ દુર્દમ્ય અહમ્‌ને કારણે જે ઉપેક્ષાવૃત્તિ કેળવાઈ ગઈ હતી, એ અત્યારે રિખવના આત્માની નજીક આવવામાં પણ એને અંતરાયરૂપ થઈ પડી. રિખવની આવી ઉત્તેજક વાણીથી પોતે ઉત્તેજિત થઈ હતી, એ વાણી અવિરત સાંભળવા મળ્યા કરે એમ ઇચ્છતી હતી, છતાં જાણે કે પોતાને આવી વાતો પસંદ નથી, પોતે રિખવ કરતાં ચાર આંગળ ચડિયાતી છે