પૃષ્ઠ:Vyajno Varas.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ-કલંક મયંક
૮૩
 


પણ ખોડ માત્ર એટલી છે કે એ સુંદરતા ઘણી વધારે પડતી છે, તું સહેજ ઓછી સુંદર હોત તો અત્યારે લાગે છે એ કરતાંય વધારે રૂપાળી લાગત.’

‘રૂપ ને સૌન્દર્યનું આવું વિચિત્ર શાસ્ત્ર ક્યાંથી શીખી લાવ્યો ?’ સુલેખા સહેજ ચિડાઈ ઊઠી હતી.

‘એ શાસ્ત્ર શીખવા જવાની શી જરૂર છે ? એ તો નાનું બાળક પણ સમજે કે મીઠાશ પણ અમુક હદ પછી મોં ભાંગી નાંખે છે. સૌન્દર્યમાં પણ પ્રમાણભાનનો સિદ્ધાંત કામ કરે છે. કલામાં ઔચિત્યનો નિયમ પણ એ જ સિદ્ધાંત ઉપર રચાયો લાગે છે. આંખ ઝીલી શકે, સહી શકે એટલી સુંદરતા જ સાચી સુંદરતા એનાથી વધારે એ બધી અસુંદરતા કહો કે કદરૂપતા…’

રિખવ એના સ્વભાવ પ્રમાણે ફિલસૂફીની અદાથી એક પછી સિદ્ધાંતદર્શન અને સૂત્રોચ્ચાર કર્યે જતો હતો ત્યારે સુલેખા વધારે ને વધારે જખ્મી બનતી હતી. અત્યારે તો એ વિદુષી ચિત્રલેખા કે કલાની ભોક્તા મટી જઈને સીધીસાદી યુવતી બની રહી હતી. અત્યંત સાહજિકતા અને સરળતાથી એનાથી પુછાઈ ગયું :

‘હું સુંદર છું કે કદરૂપી ?’

‘તું સુંદર પણ નથી, ને કદરૂપી પણ નથી. તું માત્ર બેહદ સુંદર છે. અને ઉચિત પ્રમાણથી બેહદ સુંદરતા તો કદરૂપાપણાથીય વધારે ખરાબ કહેવાય.’

‘એટલે, હું કદરૂપી છું, એમ તારે કહેવું છે ?’ સુલેખા ભભૂકી ઊઠી.

‘મારું ચાલે તો હું તને કદરૂપી ગણવાનીય ના પાડું. તને કદરૂપી ગણવામાંય દુનિયાના સુંદર કદરૂપાંઓનું બિચારાઓનું અપમાન થતું લાગે છે. તને કૂબડી જ કહેવી જોઈએ !’

સુલેખા ધૂંધવાતી ધૂંધવાતી હવે તો રડવાની અણી ઉપર આવી ગઈ હતી. બધો રોષ ભેગો કરીને એણે પોતાના તીણા નખ