પૃષ્ઠ:Vyajno Varas.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
વ્યાજનો વારસ
 

 વડે રિખવના ગૌર કાન્તિભર્યા ગાલ ઉપર મૃદુતાપૂર્વક ચીંટિયો ખણ્યો. બોલી : ‘લુચ્ચા ! મને ચિડાવે છે ?’

રિખવે અર્ધો ખોટો અને અર્ધો સાચો એવો સિસકારો કાઢીને કહ્યું :

‘એમાં ચિડાય છે શાની ?’

‘તો પછી આવું અવળું અવળું શા માટે બોલે છે ?’

‘એમાં અવળું કશું જ નથી. બધું સવળું છે. ઘણી વખત ગૌર કરતાં કાળી વસ્તુઓ વધારે સુંદર નથી લાગતી ?’

‘કઈ વસ્તુ એવી રીતે સુંદર લાગે છે, બતાવ જોઈએ !’ સુલેખાએ સરળતાથી પૂછ્યું. હવે એનો રોષ ઓછો થતો જતો હતો.

‘એમાં બતાવવાની જરૂર પડે એમ નથી. શ્રીકૃષ્ણને લોકોએ મેઘશ્યામ કહ્યા છે. આવો મેઘશ્યામ પુરુષ પણ વૃંદાવનની ગોપીઓમાં વિરહ જગાવી જાય છે. ‘ગોપીજનવલ્લભ’નું બિરુદ કાંઈ અમસ્તું મેળવ્યું હશે ? ગોપીઓ એની શ્યામલતાનાં ગુણગાન કરતાં થાકતી જ નથી. સારી રે મૂરતમાં શામળિયો, પ્રાણજીવન પાતળિયો… તું મારે ચાંદલિયે ચોંટ્યો ! નાનપણમાં નાચતાં નાચતાં આ ગીત ગાયા કરતી એ ભૂલી ગઈ ?’

સુલેખા આના ઉત્તર રૂપે કશું બોલી નહિ એટલે રિખવે જ ફરી હસતાં હસતાં પૂછ્યું :

‘પેલો ફકીર એની સનમના ગાલ ઉપરના તલ માટે સમરકંદ–બુખારાને ફડચામાં મૂકવા શા માટે તૈયાર થયો હશે એ સમજાયું હવે ?’

બોલતાં બોલતાં રિખવને અનાયાસે જ એમીનું મુખારવિંદ અને એના પરનો તલ યાદ આવી ગયો.

સુલેખા શરમાઈ ગઈ. નીચું જોઈને બોલી :

‘મારે એવું એવું સમજવાની જરૂર નથી તું એકલો સમજ્યો છે એટલું બસ છે. શાસ્ત્રીજી અને ઉસ્તાદે મળીને તારું મગજ ફેરવી નાખ્યું છે.’