પૃષ્ઠ:Vyajno Varas.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ-કલંક મયંક
૮૫
 


‘એમાં બિચારા શાસ્ત્રીજી ને ઉસ્તાદનો શા માટે વાંક કાઢે છે, આ તે આપણો એક પ્રાચીન ગુર્જર કવિ કહી ગયો છે. જે કાવ્યની પ્રેરણા લઈ લઈને તું એનાં ચિત્રો દોરતાં થાકતી નથી, એ વસન્તવિલાસની જ લીટી છે : કાનિ કિ ઝબકઉ વીજનુ ? બીજનુ ચંદ કિ ભાલિ ? ગલ્લ હસઇ સકલઙ્‌ક હ મયઙ્‌ક હ બિંબ વિશાલ… સમજી કે ? મયંક જેવો મયંક પણ કલંક વડે જ શોભે છે. સકલંક મયંક જેવું સૌન્દર્ય !’

બોલતાં બોલતાં ફરી રિખવની આંખ સામે એમીનું મોં ઝબકી ગયું. એ ચાંદમુખી ઝબકારાએ રિખવના મોં ઉપર પણ એક જાતના ઉલ્લાસનો ઉછાળો બતાવ્યો. પણ તરત એણે ભાવ દાબી દીધો અને સુલેખાને કશી શંકા ન જાય એટલા માટે તેણે ફરી એની એ જ વાત ચાલુ કરી. પૂછ્યું :

‘આવું સકલંક મયંક મોં ક્યાંય જોયું છે ખરું ?’

સુલેખાને ક્યારનું અંતરમાં થયા કરતું હતું કે પોતે તો કાવ્યને માત્ર ચિત્રોમાં જ ઉતારી રહી છે ત્યારે રિખવ તો કાવ્ય ખરેખર જીવી રહ્યો છે. એ બદલ સુલેખાને એની મીઠી અદેખાઈ પણ આવી. એનો અહમ્ ઓગળી ગયો. રિખવના પ્રશ્નના ઉત્તરમાં એણે કહ્યું :

‘હા, એવી એક વ્યક્તિ જોઈ છે ખરી.’

‘બતાવ, જો જોઈ હોય તો.’ રિખવે ગર્વ પૂછ્યું : ‘કોણ છે એ વ્યક્તિ ? નામ આપ, તો એના સૌન્દર્યનો આજીવન દાસ બનીને રહું.’

દૂર દૂર કેસૂડાંના છોડ મત્ત બનીને ડોલીને રહ્યા હતા.

સુલેખાએ કહ્યું: ‘એમ એ વ્યક્તિનું નામ મોટેથી ન અપાય. ઓરો આવ તો કાનમાં કહું.’

રિખવ નજીક ગયો. બોલ્યો : લે, કહે જોઈએ.'

‘ના, એમ નહિ, હજી ઓરો આવ. મોટેથી બોલીશ તો કોઈ