પૃષ્ઠ:Yugavandana.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



સૂના સમદરની પાળે


[દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે. સાંજ નમે છે. એક

યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે. એની પાસે એક જ

જીવતો સાથી ઊભો છે. મરતો યુવાન છેલ્લા સંદેશા આપે છે.]


સૂના સમદરની પાળે
રે આઘા સમદરની પાળે,
ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક બાળુડો રે
સૂના સમદરની પાળે

નો'તી એની પાસે કો’ માડી,
રે નો'તી એની પાસે કો' બેની
વ્હાલાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઈ ત્યાં નો'તી રે
સૂના સમદરની પાળે

વેગે એનાં લોહી વ્હેતાં'તાં
રે વેગે એનાં લોહી વ્હેતાં'તાં,
બિડાતા હોઠના છેલ્લા બોલ ઝીલન્તો એક ત્યાં ઊભો રે
સાથી સમદરની પાળે

ઝૂકેલા એ વીરને કાને
રે એકીલા એ વીરને કાને,
ટૂંપાતી જીભનાં તૂટ્યાં વેણ સુણાવે હાથ ઝાલીને રે
સૂના સમદરની પાળે

વીરા ! મારો દેશડો દૂરે,
રે વીરા ! મારું ગામડું દૂરે,
વાલીડાં દેશવાસીને સોંપજે મોંઘી તેગ આ મારી રે
સૂના સમદરની પાળે

♣ યુગવંદના ♣
૧૦૨