પૃષ્ઠ:Yugavandana.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



એ ને એંધાણીએ કે'જે
રે એ ને નિશાનીએ કે'જે,
રાજેસર ગામ ને રેવાતીરનો વાસી દૂર પોઢ્યો છે રે
સૂના સમદરની પાળે

લીલૂડા લીંબડા હેઠે
રે લીલૂડા લીંબડા હેઠે
ભેળા થૈ પૂછશે ભાંડુ, રણઘેલૂડો કેમ રોકાણો રે
સૂના સમદરની પાળે

માંડીને વાતડી કે'જે
રે માંડીને વાતડી કે'જે,
ખેલાણા કોડથી કેવા કારમા રૂડા ખેલ ખાંડાના રે
સૂના સમદરની પાળે

કે'જે સામા પાવ ભીડન્તા.
રે કે'જે સામા ઘાવ ઝીલન્તા.
ઊભા'તા આપણા વંકા વીર રોકીને વાટ વેરીની રે
સૂના સમદરની પાળે

કે'જે એવાં જુદ્ધને જોતો
રે કે'જે એવાં જુદ્ધને જોતો
ઊગીને આથમ્યો આભે ભાણ આખો દી ઘોડલે ઘૂમી રે
સૂના સમદરની પાળે

કે'જે, ભાઈ ! આરતી-ટાણે
રે કે'જે, ભાઈ ! ઝાલરું-ટાણે
લાખેણા વીરની સો સો લોથ સૂતી સંસારવિસામે રે
સૂના સમદરની પાળે

કે'જે એવે શોભતે સાથે,
રે કે'જે એવે રૂડલે સાથે,
પોઢ્યા ત્યાં કૈંક બાળુડા ઊગતે જોબન મીટ માંડીને રે
સૂના સમદરની પાળે

♣ યુગવંદના ♣
૧૦૩