પૃષ્ઠ:Yugavandana.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



કે'જે એવા ભાંડરુ ભેળો
રે કે'જે એવા મીંતરુ ભેળો,
રાજેસર ગામ ને રેવાતીરનો વાસી પ્રેમશું પોઢ્યો રે
સૂના સમદરની પાળે

બીજું મારી માતને કે'જે
રે બીજું મારી માતને કે'જે,
રોજો મા, માવડી મોરી ! ભાઈ મોટેરા પાળશે તુંને રે
સૂના સમદરની પાળે

માડી ! હું તો રાન-પંખીડું
રે માડી ! હું તો વેરાન-પંખીડું :
પ્રીતિને પીંજરે મારો જંપિયો નો'તો જીવ તોફાની રે
સૂના સમદરની પાળે

માડી ! મેં તો બાપને ખોળે
રે માડી ! મેં તો બાપને ખોળે,
બેસીને સાંભળ્યાં સો-સો રાત બાપુનાં ઘોર ધીંગાણાં રે
સૂના સમદરની પાળે

બાપુ કેરે મોત-બિછાને
રે બાપુ કેરે મોત-બિછાને,
વ્હેંચાણા રાંક પિતાના વારસા જે દી ભાઈ વચાળે રે
સૂના સમદરની પાળે

ભાઈયું મારા સોનલાં માગે
રે ભાઈયું મારા રૂપલાં માગે,
માગી'તી એકલી મેં તો વાંકડી તાતી તેગ બાપુની રે
સૂના સમદરની પાળે

દા'ડી એને ટોડલે ટાંગી
રે દા'ડી એને ટોડલે ટાંગી,
સંધ્યાનાં તેજશું રૂડી ખેલતી જોતો બાળ હું ઘેલો રે
સૂના સમદરની પાળે

♣ યુગવંદના ♣
૧૦૪