પૃષ્ઠ:Yugavandana.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



એવાં એવાં સુખ સંભારી
રે એવાં એવાં સુખ સંભારી,
રાજેસર ગામ ને રેવાતીરનો વાસી વ્હાલથી પોઢે રે
સૂના સમદરની પાળે

ત્રીજું મારી બેનને કે'જે
રે ત્રીજું મારી બેનને કે'જે,
બેનીબા ! માથડાં ઢાંકી ધ્રુસકે મારે કાજ મા રોજો રે
સૂના સમદરની પાળે.

સામૈયાની શોભતી સાંજે
રે સામૈયાની શોભતી સાંજે,
બેનીબા ! વીરવિહોણી વારને ભાળી નેન ના લ્હોજો રે
સૂના સમદરની પાળે

જેવંતા એ રણજોધ્ધાને
રે જેવંતા એ રણજોદ્ધાને,
ઉભાડી આપણે આંગણ, ઊજળાં મોંનાં મીઠડાં લેજો રે !
સૂના સમદરની પાળે

જોજે બેની ! હામ નો ભાંગે
રે જોજે બેની ! વેદના જાગે,
તુંયે રણબંકડા કેરી બેન : ફુલાતી રાખજે છાતી રે !
સૂના સમદરની પાળે

બેની ! કોઈ સોબતી મારો
રે બેની ! કોઈ સોબતી મારો,
માગે જો હાથ, વીરાની ભાઈબંધીને દોયલે દાવે રે
સૂના સમદરની પાળે

બેની મારી, ફાળ મા ખાજે !
 રે બેની ! ઝંખવૈશ મા લાજે !
માયાળુ ! મન કોળે તો ભાઈને નામે જોડજે હૈયાં રે !
સૂના સમદરની પાળે

♣ યુગવંદના ♣
૧૦૫