પૃષ્ઠ:Yugavandana.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બેનીબા ! આ તેગ બાપુની
રે બેનીબા ! આ તેગ બાપુની,
ઝુલાવી ટોડલે જૂને રોજ પેટાવ્યે દીવડો ઘીનો રે
સૂના સમદરની પાળે

એવાં વાલાં ધામ સંભારી
રે એવાં મીઠાં નામ સંભારી,
રાજેસર ગામ ને રેવાતીરનો વાસી એકલો પોઢે રે
સૂના સમદરની પાળે

બંધુ મારા! એક છે બીજી
રે બંધુ મારા ! એક છે બીજી,
તોફાની આંખ બે કાળી : ઓળખી લેજે એ જ એંધાણે રે
સૂના સમદરની પાળે

બંધુ ! એનું દિલ મસ્તાનું
રે બેલી ! એનું દિલ મસ્તાનું,
મસ્તાના ફૂલ-હૈયાને હાય રે માંડ્યું આજ ચિરાવું રે
સૂના સમદરની પાળે

કે'જે એને રાત આ છેલ્લી
રે કે'જે એને વાત આ છેલ્લી,
કેજે ચાંદલી આઠમ રાતનાં ઊડ્યાં પ્રેમ-પંખેરું રે
સૂના સમદરની પાળે

કેજે મારું સોણલું છેલ્લું
રે કે'જે મારું સોણલું છેલ્લું :
રેવાને કાંઠડે આપણ જોડલે ઊભાં દિન આથમતે રે
સૂના સમદરની પાળે

રેવા ઘેરાં ગીત ગાતી'તી
રે રેવા ઘેરાં ગીત ગાતી'તી,
ગાતાં'તાં આપણે ભેળાં ગાન મીઠેરાં ગુર્જરી માનાં રે
સૂના સમદરની પાળે

♣ યુગવંદના ♣
૧૦૬