પૃષ્ઠ:Yugavandana.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોઈનો લાડકવાયો
[ઢાળઃ મરાઠી સાખીનો]


રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે :
ઘાયલ મરતા મરતા રે
માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કો'ની માતા, ભગિની ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી,
મુખથી ખમા ખમા કરતી
માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોદ્ધા જોવાને,
શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાનેઃ
નિજ ગૌરવ કેરે ગાને
જખ્મી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો :
અણપૂછ્યો અણપ્રીછેલો
કોઈનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઈ જનેતા ના'વી,
એને સીંચણ તેલ-કચોળાં નવ કોઈ બહેની લાવી :
કોઈના લાડકવાયાની
ન કોઈએ ખબરે પુછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સનમુખ ઝીલ્યા ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતીઃ

♣ યુગવંદના ♣
૧૦૯