પૃષ્ઠ:Yugavandana.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કોઈના લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી.

કોઈના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં :
આતમ-દીપક ઓલાયા,
ઓષ્ઠનાં ગુલાબ કરમાયાં.

કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એના હૈયા ઉપર કર-જોડામણ કરજો :
પાસે ધૂપસળી ધરજો.
કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો !

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરે :
સહુ માતા ને ભગિની રે !
ગોદ લેજો ધીરે ધીરે !

વાંકડિયા એ જુલ્ફાંની મગરૂબ હશે કો' માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા:
રે ! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી,
ઉરની એકાન્ત રડતી
વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ઘોળી છેલ્લું તિલક કરતા,
એને કંઠ વીંટાયા હોશે કર બે કંકણવંતા ?
વસમાં વળામણાં દેતા,
બાથ ભીડી બે પળ લેતા.

♣ યુગવંદના ♣
૧૧૦