પૃષ્ઠ:Yugavandana.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
યાચના


મોરલા હો ! મુંને થોડી ઘડી
તારો આપ અષાઢીલો કંઠ :
ખોવાયેલી વાદળીને હું
છેલ્લી વાર સાદ પાડી લઉં.

ઈંદ્રધનુ ! તારા રંગ-ધોધોમાંથી
એક માગું લીલું બુન્દ :
સાંભરતાંને આંકવા કાજે
પીંછી મારી બોળવા દેજે !

મેઘમાલા ! તારા લાખ તારોમાંથી
ખેંચવા દે એક તાર :
બેસાડીને સૂર બાકીના
પાછી સોંપી દૈશ હું વીણા.

ઘોર સિંધુ ! તારા વીંજણાનું નાનું
આપજે એક કલ્લોલ :
હૈયું એક નીંદવિહોણું —
ભાલે એને વાયરો ઢોળું.

રાતરાણી ! તારા ઝાકઝમાળનું
મારે નથી કાંઈ કામ :
ગાઢ અંધકાર-પછેડા
ઓઢાડી દે ઊંઘની વેળા.

♣ યુગવંદના ♣
૧૨૩