પૃષ્ઠ:Yugavandana.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સાગર રાણો

માલા ગૂંથી ગૂંથી લાવે –
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે :
ધરતીને હૈયે પે'રાવે –
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે.

આઘે આઘે એની અનુપમ વાડી,
ચાંદો સૂરજ રૂડા રાખ્યા બે માળી:

વિધવિધ વેલડી વાવે –
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે. — માલા૦

ઊંડે પાતાળે ગાળ્યા એણે ક્યારા,
રોણા રાતલડીના રંગત તારા :

નવલખ નદીઓ સિંચાવે –
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે. — માલા૦

સોનલ ફૂલડે સવાર મલકતા,
સંધ્યાના થાળ ગુલાબે છલકતાં :

રજનીમાં ડોલર આવે –
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે. — માલા૦

રાત દિવસ બીજાં કામ ન ફાવે,
ગાંડો પિયુજી લાખો ગેંદ ગૂંથાવે:

જૂજવા રંગ મિલાવે –
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે. — માલા૦

રીસભરી ધરણી નવ રીઝે,
સ્વામીનાં દાન ત્રોડી ત્રોડી ખીજે :
 
દરિયો વિલાપ ગજાવે –-
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે. — માલા૦

♣ યુગવંદના ♣
૧૨૭