પૃષ્ઠ:Yugavandana.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



એક જન્મતિથિ


શ્રાવણી પાંચમના અંધાર :
કારમું ઘોરે કારાગાર :
સુણતા પલ પલ તુજ ભણકાર :
'આવી છું પહેરાવા ફૂલહાર.'
હૈયે મઘ મઘ થાય તાહરા બકુલ સમા એ બોલ;
જન્મદિવસ સંભારી ગઈ તેં જગવ્યા ઉર-હિલ્લોલ.
— શ્રાવણી૦

*

આપણા આઠ વર્ષના યોગ,
મહીં અંકાયા કૈંક વિજોગ :
ભોગવ્યા ભરપ્રીતિના ભોગ,
ભૂલું ક્યમ ઉરના ઊંડા રોગ !
કૈં કૈં પૂનમ ઊગી-આથમી જીવન કેરે આભ,
તેજ અને છાયાની ભરિયલ દોરંગી ફૂલછાબ !
— શ્રાવણી૦

*

હાસ્ય-અશ્રુની બેવડ લ્હાણ :
રાત વીતી ને પ્રગટે ભાણ :
માનવી-જીવનના કલ્યાણ
કાજ કર્તાનાં એ નિર્માણ.
મેં દીધા વિષદંષ, ત્યાં સખિ ! સીંચી તેં અમીધાર;
તૈંય કર્યા કદી ઘાવ – કાળ મુજ બનિયો રૂઝણહાર !
— શ્રાવણી૦

*
♣ યુગવંદના ♣
૧૩૦