પૃષ્ઠ:Yugavandana.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવા વર્ષનો સબરસ-થાળ


વા'લાં સબરસનાં વેચનાર, થંભજો રે
— જરી થંભજો રે :

મારા કોઠી-કોઠાર જોઈ આવું;
મારા અંધારા ઉંબરમાં ઊભજો રે
— જરી ઊભજો રે :
મારા ગાગર-ગટકૂડાં જોઈ આવું.


ઘૂમી વળી હું મારા ઘરને ખૂણેખૂણે :
ટોડલા ને ગોખલા તપાસી વળી;
ભરચક ભરિયેલ દીઠા મજૂ અને માળીડા :
કણીયે ન મૂકવાની જગ્યા મળી.

વા'લાં સબરસનાં વેચનાર, વહી જજો રે
— હવે વહી જજો રે :

કોઈ જાણણહારા જરીક કહી જજો રે
જરીક કહી જજો રે :

નવા વર્ષ તણાં નમક ક્યાં સમાવું ! — વાલાં૦

પાંપણ ને પોપચાંમાં સબરસ છલકાય મારે,
નયણાંના ધોધ ખારા ધૂધવા ઢળે;
સૂકાં સૂકાં તે મારાં હાડચામ ચૂવે ને
સબરસભર શોણિતનાં ઝરણાં ગળે.

ભરી જીવતરનાં સબરસનો સૂંડલો રે
— છલક સૂંડલો રેઃ
હું તો ગલીઓ ને શેરીઓ ગજાવું.

♣ યુગવંદના ♣
૧૩૫