પૃષ્ઠ:Yugavandana.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



ટિપ્પણ
[શરૂઆતના આંકડા પાનાં-ક્રમાંક સૂચવે છે.]

૩. કસુંબીનો રંગ : આ સંગ્રહનું પ્રારંભગીત : ૧૯૩૪, સ્વતંત્ર. સોરઠમાં ને ગુજરાતમાં નવવધૂની કસુંબલ ચુંદડી, શૌર્ય પ્રેમીની કસુંબલ આંખ, બહારવટિયાનાં ‘લાલ કસુંબલ લૂગડાં' અને 'ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી પ્રેમશૌર્યઅંકિત’ એ કવિ નર્મદની ગીતપંક્તિ પ્રચલિત છે. સુગંધે મહેકતો, ન ભડકા જેવો કે ન આછો, પણ લાલપમાં કાળાશ ઘૂંટી કરેલો હોય તેવો આ કસુંબલ રંગ ઉત્તમ ગણાય છે. જીવનનો પણ એ જ કસુંબલ રંગ : હૃદયના સર્વ ભાવો જેમાં નિચોવાયા હોય તેવો રંગ જીવનકસુંબીનો. એવી સકલ ઊર્મિઓના રંગે રંગાયેલા કોઈ વિરલાને નિર્દેશી રચ્યું છે. બિસ્મિલ=કતલ થયેલ.

૫. ઝાકળનું બિન્દુ : રચ્યા સાલ ૧૯૩૪. રવીન્દ્રનાથના એક કાવ્યનું અંગ્રેજી ભાષાન્તર ઘણાં વર્ષો પર વાંચેલું તેના છૂટક બોલ 'ધ ડ્યૂડ્રોપ વેટ એન્ડ સેઇડ... માય લાઈફ ઈઝ ઓલ એ ટીઅર' એવા યાદ રહી ગયેલા, તે પરથી રચ્યું. બીજી આવૃત્તિ વેળા મૂળ બંગાળી કાવ્ય 'પ્રસાદ' નામનું મળી ગયું છે. પણ મેં એમાં ફેરફાર કર્યો નથી.

૭. સ્વપ્ન થકી સરજેલી : ૧૯૨૫. દ્વિજેન્દ્રલાલ રાય કૃત નાટક ‘શાહજહાં'ના રાષ્ટ્રગીત ‘આમાર જન્મભૂમિ'નો અનુવાદ.

૯, તોય મા તે મા : ૧૯૩૪. સ્વતંત્ર. 'જન્મભૂમિ' માટે ધારાસભાની ચૂંટણી વેળા.

૧૦. પરાજિતનું ગાન : ગાંધીજી છેલ્લા કારાવાસ પછી પ્રથમ વાર મુંબઈ આવતા હતા તે વેળા સ્ફૂરેલું : સ્વતંત્ર : એ રચનાની પાછળ કોણ જાણે ક્યાં વાંચેલી રવીન્દ્રનાથની આવી કંઈક એક ગીત-પંક્તિ ગુંજતી રહી છે : 'માય માસ્ટર હૅઝ બીડન મી ટુ સ્ટૅન્ડ બાય ધ વેસાઈડ ઍન્ડ સીંગ ધ સૉન્ગ ઓફ ડીફીટ'.

૧૧. સ્વતંત્રતાની મીઠાશ : ૧૯૩૦. સ્વતંત્ર

૧૩. નવ કહેજો : ૧૯૨૮-૨૯. સૂચિત. શ્રી જગદીશચંદ્ર બોઝના એક વ્યાખ્યાનને છેડે એમણે ટાંકેલી એક અંગ્રેજી કાવ્યકડી પરથી. 'સૌરાષ્ટ્ર'માં.

૧૫. ઊઠો : ૧૯૨૫. ‘શાહજહાં' નાટકમાંથી અનુવાદિત.

૧૬. છેલ્લી પ્રાર્થના : ૧૯૩૦. આયરિશ વીર સ્વ૦ મેક્‌સ્વીનીના એક ઉદ્ગાર પરથી સૂઝેલું. સત્યાગ્રહના પ્રથમ સંગ્રામમાં મારા પર પાયા વગરના આરોપસર મુકદ્દમો ચાલેલો, ત્યારે, બે વર્ષની સજા કરનાર મૅજિસ્ટ્રેટ મિ. ઈસાણીની ધંધુકા ખાતેની અદાલતમાં એમના અનુજ્ઞાથી ગાયેલું તે.

♣ યુગવંદના ♣
૧૬૫