પૃષ્ઠ:Yugavandana.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



પીડિતની આંસુડાધારે-હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ. — રાજ૦

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ. — રાજ૦

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલાં હો !
પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલાં હો !
લેજો કસુંબીનો રંગ ! — રાજ૦.

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ —
લાગ્યો કસુંબીનો રંગ.

♣ યુગવંદના ♣