પૃષ્ઠ:Yugavandana.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઊર્મિ-તંત્રની વીણા

હું આ લખું છું તે શું ખરે જ અંતરમાં અનુભવું છું? કવિતાકાર, સાહિત્યનો સર્જક શું સાચોસાચ નિજલખ્યું બધું સ્વાનુભવમાંથી નિતારે છે?.....

એ પ્રશ્નનો ઉત્તર મેં નકારમાં વાળ્યો. કવિતાકારોનો એક સમૂહ પોતાનાં ઉરસંવેદનોને શબ્દસ્થ કરતો હશે, પણ બીજો એક સમૂહ છે. જે બહુધા પરાનુભવોને જ પોતાના ઊર્મિ-તંત્રની વીણા કે એકતારા પર બજવવા મથે છે. એટલે કે મુખ્યત્વે એક કલ્પક છે, નિજાનુભવી નથી. ઉદાહરણ. લઈએ : પીડિતો-દુઃખિતોનાં પદો ઘણાંએ ગાયાં છે, મેં પણ ગાયાં છે. એમાંનાં કેટલાંક પરભાષામાંથી મેં જેમ આપણી ભાષામાં ઉતાર્યા છે, તેમ બીજાં કેટલાંક જેને વ્યવહારવાણીમાં મૌલિક નથી – એટલે કે તેના મૂળ રચનારના પોતાના પીડિતપણામાં નથી બાઝેલાં. પરભૂમિમાં ઊગેલ રોપાઓને પોતાને આંગણે લાવીને રોપનાર માણસની માફક, પરપીડનનાં સંવેદનોમાંથી ઉદ્ભવેલા એ ભાવોને મેં મારી કલ્પનાભોમમાં માત્ર રોપ્યા છે. ભોગવનાર = અનુભવનાર. વેદનાનાં હળો વડે ખોદાઈ જનાર ભોંય પારકાં હૈયાંની છે. કવિતાકાર એ સંવેદનોના સીધા પરિસહનાર તરીકેનો દાવો કરી શકે નહિ..


- ઝવેરચંદ મેઘાણી

[‘એકતારો'ના આત્મનિરીક્ષણમાં]
 



રૂ. ૩૦